લંડન: વર્ષ 2019માં લંડનમાં એક 19 વર્ષીય યુવક ઝેક બ્રેટલરના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત મામલે પોલીસને ગેરમાર્ગે દોરનારો મુખ્ય સાક્ષી છેલ્લા સાત વર્ષથી કોઈપણ સજા વિના વૈભવી જીવન જીવી રહ્યો હોવાનો આરોપ મૂકાયો છે. 54 વર્ષીય અકબર શામજી નામના આ સાક્ષી પર પોલીસ તપાસમાં અવરોધ ઊભો કરવાનો આરોપ હોવા છતાં તેની સામે હજુ સુધી કોઈ સત્તાવાર ગુનાહિત ચાર્જ લગાવવામાં આવ્યા નથી. અકબર શામજીએ ઝેકના મોતની રાત્રે પોતાની ગતિવિધિઓ અંગે પોલીસ સમક્ષ વારંવાર ખોટા નિવેદનો આપ્યા હતા. એટલું જ નહીં ઘટનાના થોડા સમય બાદ તેણે પોતાના ફોનમાંથી પુરાવાઓનો પણ નાશ કર્યો હતો.
અકબર શામજીના પિતા અબ્દુલ શામજી બ્રિટનના ઈતિહાસમાં શરૂઆતના સૌથી જાણીતા ભારતીય મૂળના કરોડપતિઓ પૈકીના એક હતા.બ્રિટિશ પોલીસ સક્રિય થઈ ત્યારે અકબર શામજી યુકે છોડીને ડોમિનિકન રિપબ્લિકમાં સ્થાયી થઈ ગયો હતો. આ એક એવો ટેક્સ હેવન દેશ છે જેની યુકે સાથે કોઈ પ્રત્યર્પણ સંધિ નથી. એક તરફ શામજી આલિશાન જીવન જીવી રહ્યો છે, તો બીજી તરફ તે ગંભીર આર્થિક કૌભાંડો અને કાનૂની વિવાદોમાં ઘેરાયેલો છે.

