લંડન
11 વર્ષ સુધી સગીરાઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર પૂર્વ ડોક્ટરને 15 વર્ષ કરતાં વધુની કેદ ફટકારવામાં આવી છે. 79 વર્ષીય લલિતકુમાર મૂળજીભાઇ નિર્મલે પીડિતાનું ક્રોયડોન, સિડેનહામ અને વેલ્સ ખાતે આવેલા અલગ અલગ સ્થળોએ શારીરિક શોષણ કર્યું હતું. આ મામલો સૌથી પહેલાં ઓક્ટોબર 2019માં પોલીસની જાણમાં આવ્યો હતો. બે મહિનાની તપાસમાં વધુ વિગતો સામે આવી હતી. લલિતકુમાર પર એક પીડિતા પર હુમલો કરવાનો અપરાધ પણ સાબિત થયો હતો. આ અપરાધો આચરાયા ત્યારે લલિત કુમાર જનરલ પ્રેકટિશનર તરીકે પ્રેકટિસ કરતો હતો. મલહામ ક્લોઝના લલિત કુમારની પાંચમી ઓગસ્ટ 2020ના રોજ ધરપકડ કરાઇ હતી. પોલીસે વિગતવાર તપાસ કરીને તેની સામે મે 2021માં ચાર્જશિટ દાખલ કરી હતી. તેણે 14 વર્ષથી નાની કન્યાઓના શારીરિક શોષણ અને હુમલાના આઠ અપરાધો અને 14 વર્ષથી નાની કન્યાઓના જાતીય શોષણના ચાર અપરાધઓની કબૂલાત કરી હતી.
વૂલવિચ ક્રાઉન કોર્ટે લલિત કુમારને ઓળખતી બે સગીરાઓની જુબાની સાંભળ્યા બાદ લલિત કુમારને દોષી ઠેરવી 15 વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારી હતી. સીનિયર ક્રાઉન પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે, લલિત કુમાર સન્માનનિય ડોક્ટરની આડમાં શારીરિક શોષણનું જાણે કે અભિયાન ચલાવી રહ્યો હતો. તેણે શિકાર બનાવેલી કન્યાઓના જીવન પર નુકસાનકારક અસરો પડી હતી. લલિત કુમારના અપરાધો અમાનવીય અને અક્ષમ્ય છે. એક સગીરાનું તો લલિત કુમાર વર્ષો સુધી જાતીય શોષણ કરતો રહ્યો હતો. આ ચુકાદાથી અત્યાચારોનો ભોગ બનેલી પીડિતાઓને ન્યાય મળ્યાની અનુભૂતિ થશે. તેમનુ ઉદાહરણ લઇને શારીરિક શોષણનો ભોગ બનનારી સગીરાઓ બહાર આવશે.
લલિત કુમાર નિર્મલ જે રીતે સમાજમાં ડોક્ટર તરીકેની પ્રતિષ્ઠાની આડમાં સગીરાઓનું શોષણ કરી રહ્યો હતો તે જોતાં તપાસકર્તાઓએ અન્ય પીડિતાઓને પણ સામે આવવા અપીલ કરી છે. ડિટેક્ટિવ સાર્જન્ટ માર્ક મોરિસે જણાવ્યું હતું કે, હું આ કેસમાં સામે આવેલી પીડિતાઓનો હૃદયથી આભાર માનું છું. તેમણે અદમ્ય સાહસ દર્શાવીને લલિત કુમાર દ્વારા વર્ષોથી થઇ રહેલા શારીરિક શોષણને પોલીસ સમક્ષ ઉઘાડું પાડ્યું હતું. સતત થઇ રહેલા શારીરિક શોષણને કારણે પીડિતાના માનસિક અને શારીરિક આરોગ્ય પર કેટલી ભયાનક અસર પડી શકે તેની કલ્પના થઇ શકે તેમ નથી પરંતુ અદાલતના ચુકાદાએ પીડિતાઓને રાહત આપી છે. લલિત કુમાર 1980ના દાયકામાં વેલ્સના ટોરફેન વિસ્તારમાં જીપી તરીકે પ્રેકટિસ કરતો હતો. તેણે પોતાના દરજ્જાનો ગેરલાભ લઇને સગીરાઓનું શારીરિક શોષણ કર્યું હતું. ભોગ બનેલી પીડિતાઓ તેની દર્દી નહોતી. જો અન્ય કોઇ પીડિતા સામે આવવા માગતી હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે. તેમના નામ જાહેર કરાશે નહીં અને વિશેષ ટીમ તપાસમાં સહકાર આપશે.
ડિટેક્ટિવ સુપ્રિટેન્ડેન્ટ માર્ટિન પ્રાઇસે જણાવ્યું હતું કે, લલિત કુમારને હવે તેણે આપેલી વેદનાઓની અનુભૂતિ થશે. આ કેસમાં પીડિતાઓ સાથે કામ કરનારા અધિકારીઓને હું અભિનંદન પાઠવું છું.


