લંડનઃ સગીરાઓનું શોષણ કરનાર એક પાકિસ્તાની અપરાધી યુકેમાં વસવાટ માટેના કાનૂની જંગને જીતી ગયો છે. તેણે અદાલતમાં દલીલ કરી હતી કે તેને દેશનિકાલ કરી શકાય નહીં. જો મને મારા જન્મના દેશમાં પરત મોકલી દેવાશે તો ત્યાં મારી સામે ખટલા ચલાવવામાં આવશે. મારા અપરાધ દેશમાં પણ જાહેર થઇ ગયાં છે તેથી જો મને દેશનિકાલ કરાશે તો મને ત્યાં સજા કરાશે.
બ્રિટનમાં સંખ્યાબંધ સગીરાઓનું શોષણ કરનાર જમિલ એહમદે જણાવ્યું હતું કે મારા અપરાધો પાકિસ્તાની અખબારોમાં પ્રસિદ્ધ કરાયાં છે તેથી મારા પર ધાર્મિક કટ્ટરવાદીઓ હુમલા કરે તેવી પણ સંભાવના છે. જમિલ એહમદ 2008થી સ્કોટલેન્ડમાં રહે છે. 2013માં તેને સગીરાના શોષણ માટે દોષી ઠેરવાયો હતો. તેણે અસાયલમ કોર્ટને જણાવ્યું હતું કે, મને દેશનિકાલ કરવાનો આદેશ મારા માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાશે.