લંડનઃ સજાતીય સંબંધો પાપ અને અયોગ્ય હોવાની ચર્ચની માન્યતા સન્માનીય આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ ફગાવી દીધી છે. આર્ચબિશે કહ્યું હતું કે મારા સંતાનો સજાતીય હોય તો પણ તેઓ તેમના સજાતીય લગ્નમાં હાજર રહેશે અને તેમને હંમેશાં પ્રેમ કરશે. તેમની આ ટીપ્પણી ચર્ચમાં આ મુદ્દે નવેસરથી વિવાદ જન્માવે તેમ લાગે છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સજાતીય લગ્નોના ખરડાનો વિરોધ કરે છે.
સ્પેક્ટેટર મેગેઝિનમાં જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ સાથે મુલાકાતમાં આર્ચબિશપ વેલ્બીએ કહ્યું હતું કે,‘શું હું તેમના બન્ને માટે પ્રાર્થના કરીશ? હા, ચોક્કસપણે. શું હું તેમના બન્ને સાથે પ્રાર્થના કરીશ? હા, જો તેમની ઈચ્છા હશે તો જરૂર કરીશ.
માઈકલ ગોવે કહ્યું હતું કે, આ ટીપ્પણીઓ વિવાદાસ્પદ બની શકે છે કારણકે સજાતીય સ્ત્રી અને પુરુષો માટે ઘણા એંગ્લિકન્સ સાવધાની વર્તે છે. સેક્યુલર સોસાયટી દ્વારા સજાતીય સ્ત્રી-પુરુષો અને તેમની જાતીય પસંદગીને અપાતા આવકાર વિશે રૂઢિગત એંગ્લિકન્સ સાવચેતી રાખે છે.
આર્ચબિશપ વેલ્બીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે બ્રિટન ધર્મનિરપેક્ષ બની રહ્યું હોવાના સૂચનો છતાં ક્રિશ્ચિયાનિટીની તરફેણમાં ભરતી આવી રહી છે. ચર્ચો સામાજિક માળખામાં વધુ સક્રિય બની રહ્યાં છે. ચર્ચ અર્બન ફંડના ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ૬,૫૦૦થી વધુ પેરિશના અભ્યાસમાં જણાવાયું છે કે આ પેરિશોમાં વૃદ્ધ લોકો, શાળાના બાળકો, પેરન્ટ્સ અને નવા ઈમિગ્રન્ટ્સ માટે વિશેષ સેવા પૂરી પડાય છે.


