લંડનઃ દક્ષિણ લંડનના સટન વિસ્તારમાં સ્થિત પ્રાઈમરી સ્કૂલમાં ગત સપ્તાહના અંતે ભારતીય હાઈ કમિશનના એક આઉટરીચ કોન્સ્યુલર કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક કાર્યકરોએ ભારે ધમાલ મચાવતાં તાકીદે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ખાલિસ્તાની ઝંડા સાથે આવેલા પ્રદર્શનકારીઓ સ્કૂલના બિલ્ડિંગમાં જબરદસ્તી ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર આયોજકો સાથે ઝપાઝપી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આ યુકે છે અને તેઓ અહીંના કરદાતા હોવાથી ભારતીય હાઈ કમિશનને અહીં આ પ્રકારનો કાર્યક્રમ યોજવાનો કોઈ અધિકાર નથી. તેઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
પોલીસે બળપ્રયોગ કરીને તોફાનીઓને સ્કૂલની બહાર ખસેડ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર, બહાર ગયા પછી પણ તેમણે સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેમણે ભારતના ત્રિરંગાને ફાડી નાખ્યો હતો, પગ નીચે કચડ્યો હતો અને તેની સાથે ફૂટબોલ રમ્યા હતા. તેઓ સતત લોકોને કાયર કહીને ઉશ્કેરણીજનક અને ધમકીભર્યું વર્તન કરી રહ્યા હતા.
આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યક્રમ કોઈ ચોક્કસ ધર્મ માટે નહીં પરંતુ તમામ ધર્મના ભારતીય મૂળના લોકો માટે હતો અને તમામ ધર્મના લોકો તેમાં સામેલ થયા હતા. ભારતીય હાઈ કમિશન હવે યોગ્ય સરકારી માધ્યમો દ્વારા આ ગંભીર મામલાને યુકે સરકાર સમક્ષ ઉઠાવી રહ્યું છે.


