લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ દ્વારા મધ્ય એપ્રિલથી સ્થાનિક સત્તામંડળોને સડકોની મરામત અને જાળવણી માટે 1.6 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે પરંતુ સરકાર દ્વારા ચેતવણી અપાઇ છે કે ઇંગ્લેન્ડમાં જે કાઉન્સિલો સડકોની જાળવણીમાં ઉણી ઉતરશે તેમને ભંડોળમાં અપાનારા મિલિયનો પાઉન્ડ ગુમાવવા પડશે. સરકારે જણાવ્યું છે કે ઇંગ્લેન્ડની કાઉન્સિલોએ સડકો પરના ગાબડાંની મરામત અંગેનો વાર્ષિક રિપોર્ટ પ્રસિદ્ધ કરવો પડશે. તેમ નહીં કરનાર કાઉન્સિલોનું 25 ટકા ભંડોળ કાપી લેવાશે.
બીજીતરફ કાઉન્સિલોનું પ્રતિનિધિત્વ કરતા લોકલ ગવર્મેન્ટ એસોસિએશને જણાવ્યું છે કે સરકારે ગાબડાંની મરામત માટે આ પ્રકારની ધમકીઓ આપવા કરતાં રક્ષણાત્મક પગલાં લેવા જોઇએ.
આંકડા અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર એક માઇલ સડક પર 6 ગાબડાં જોવા મળે છે. એસોસિએશનનો અંદાજ છે કે સડકોની મરામત માટે એક દાયકા કરતાં વધુનો સમય અને 17 બિલિયન પાઉન્ડની જરૂર છે.
સરકારે જણાવ્યું છે કે, યોગ્યતા ધરાવતી કાઉન્સિલોને વધારાના 75 ટકાની સહાય કરાશે પરંતુ કામગીરીમાં ઉણી ઉતરનારી કાઉન્સિલોનું બાકીનું 25 ટકા ભંડોળ અટકાવી દેવાશે. જે કાઉન્સિલોની કામગીરી સારી હશે તેમની મધ્યે આ ભંડોળ વહેંચી દેવાશે.