સતત 14મા વર્ષે ફ્યુઅલ ડ્યુટી યથાવત રહેતાં વાહનચાલકોને રાહત

ઓઇલ કંપનીઓ પરનો વિન્ડફોલ ટેક્સ વધુ એક વર્ષ લંબાવાયો

Tuesday 12th March 2024 16:13 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે સતત 14મા વર્ષે ફ્યુઅલ ડ્યુટી યથાવત રાખીને વાહનચાલકોને મોટી રાહત આપી છે. આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર પાંચ બિલિયન પાઉન્ડનો બોજો પડશે. યુક્રેન યુદ્ધના કારણે ઇંધણોની જથ્થાબંધ કિંમતમાં વધારો થતાં 2022માં તત્કાલિન ચાન્સેલર રિશી સુનાકે ફ્યુઅલ ડ્યુટીમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.

ચાન્સેલરે જણાવ્યું હતું કે, મોટાભાગના પરિવાર અને વેપારીઓ વાહનો પર નભે છે. જો મેં કોઇ પગલાં ન લીધાં હોત તો ફ્યુઅલ ડ્યુટીમાં દર મહિને 13 ટકા સુધીનો વધારો કરવો પડ્યો હોત. પરંતુ મેં વધુ 12 મહિના સુધી ફ્યુઅલ ડ્યુટી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે જેના કારણે સરેરાશ બ્રિટિશ પરિવાર આગામી વર્ષમાં 50 પાઉન્ડની બચત કરી શકશે. હાલ પેટ્રોલની કિંમત 1.45 પાઉન્ડ પ્રતિ લિટર છે ત્યારે આ નિર્ણય વાહનચાલકોને રાહત આપશે. જોકે વાહનચાલક સંગઠનોનો આરોપ છે કે ફ્યુઅલ ડ્યુટીના લાભ ગ્રાહકોને અપાતા નથી.

બીજીતરફ ચાન્સેલરે ઓઇલ અને ગેસ કંપનીઓને વિન્ડફોલ ટેક્સમાં કોઇ રાહત આપી નથી. તેમણે વિન્ડફોલ ટેક્સ વધુ એક વર્ષ માટે લંબાવવાની બજેટમાં જાહેરાત કરી હતી. યુક્રેન યુદ્ધ બાદ મે 2022માં ઓઇલ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાગુ કરાયો હતો. આ નિર્ણયને કારણે સરકારને 1.9 બિલિયન પાઉન્ડની વધારાની આવક થશે. વિન્ડફોલ ટેક્સમાં રાહત ન અપાવાના કારણે ઇંધણોની કિંમત ઊંચી રહેવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter