લંડનઃ સતત ચોથા વર્ષે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2025માં હિન્દુજા પરિવાર પ્રથમ સ્થાને રહ્યો છે. હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ 35.3 બિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. સતત ત્રીજા વર્ષે બ્રિટનના અબજોપતિઓની સંખ્યા 165થી ઘટીને 156 પર આવી ગઇ છે. ટોચના અબજોપતિઓમાં સર જેમ્સ ડાયસન અને માન્ચેસ્ટર યુનાઇટેડના ભાગીદાર સર જિમ રેટક્લિફનો પણ સમાવેશ થાય છે. ટોપ ટ્વેન્ટી અબજોપતિઓમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને તેમનો પરિવાર 15.44 બિલિયન પાઉન્ડ સાથે આઠમા સ્થાને રહ્યો છે.
કિંગ ચાર્લ્સ અને સુનાક દંપતીની સંપત્તિ એકસમાન થઇ
કિંગ ચાર્લ્સની સંપત્તિ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ જેટલી થઇ છે. કિંગની સંપત્તિ 30 મિલિયન પાઉન્ડ વધીને 640 મિલિયન પાઉન્ડ પર પહોંચી છે. આ સાથે કિંગ ચાર્લ્સ પણ 350 સૌથી અમીર બ્રિટિશરોની યાદીમાં સુનાક અને અક્ષતાની સાથે 238મા સ્થાને પહોંચી ગયાં છે. કિંગના રેન્કિંગમાં 20 સ્થાનનો સુધારો થયો છે.
યુકેના 50 અમીર પરિવારની સંપત્તિ 50 ટકા વસતીની કુલ સંપત્તિ કરતાં વધુ
યુકેમાં બિલિયોનર્સની સંખ્યામાં વધારો થયો છે. 1990માં 15ની સામે 2024માં 165 બિલિયોનર્સ થયા હતા. તેની સાથે સંપત્તિના વિતરણમાં અસમાનતામાં પણ મોટો વધારો થયો છે. 1990થી 2024ના સમયગાળામાં અમીરોની સંપત્તિમાં 1000 ટકાથી પણ વધુનો વધારો નોંધાયો છે. આજે યુકેના ટોચના 50 ધનવાન પરિવારોની સંપત્તિ દેશની 50 ટકા વસતીની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે.
બ્રિટનના ટોપ 10 અબજોપતિ
- ગોપીચંદ હિન્દુજા અને પરિવારઃ 35.3 બિલિયન પાઉન્ડ
- ડેવિડ અને સાયમન રેઉબેન પરિવારઃ 26.87 બિલિયન પાઉન્ડ
- સર લિઓનાર્ડ બ્લેવેતનિકઃ 25.73 બિલિયન પાઉન્ડ
- સર જેમ્સ ડાયસન અને પરિવારઃ 20.8 બિલિયન પાઉન્ડ
- ઇડેન ઓફેરઃ 20.12 બિલિયન પાઉન્ડ
- ગાય, જ્યોર્જ, અલાનાહ અને ગેલેન વેસ્ટન પરિવારઃ 17.75 બિલિયન પાઉન્ડ
- સર જેમ્સ રેટક્લિફઃ 17.05 બિલિયન પાઉન્ડ
- લક્ષ્મી મિત્તલ અને પરિવારઃ 15.44 બિલિયન પાઉન્ડ
- જ્હોન ફ્રેડરિકસેન અને પરિવારઃ 13.68 બિલિયન પાઉન્ડ
- ઇગોર અને દમિત્રી બખમેનઃ 12.54 બિલિયન પાઉન્ડ