લંડનઃ એપ્રિલ 2024થી માર્ચ 2025ના નાણાકીય વર્ષમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ મેઇલ ડિલિવરીના લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળતા માટે રોયલ મેઇલને 21 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારાયો છે. ઓફકોમના જણાવ્યા અનુસાર રોયલ મેઇલ દ્વારા આ સમયગાળામાં 77 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલ અને 92.5 ટકા સેકન્ડ ક્લાસ મેઇલની ડિલિવરી કરાઇ હતી. કંપનીને ફર્સ્ટ ક્લાસ મેઇલ મળ્યાના એક વર્કિંગ દિવસમાં 93 ટકા અને સેકન્ડ ક્લાસ મેઇલ 3 વર્કિંગ દિવસમાં 98.5 ટકા ડિલિવર કરવાનો લક્ષ્યાંક અપાયો હતો.
ડિલિવરી ટાર્ગેટ હાંસલ ન કરવા માટે સતત ત્રીજા વર્ષે રેગ્યુલેટર ઓફકોમ દ્વારા રોયલ મેઇલને દંડ ફટકારાયો છે. ઓફકોમે જણાવ્યું હતું કે, લક્ષ્યાંક હાંસલ કરવા માટે રોયલ મેઇલ દ્વારા સુધારા યોજના રજૂ કરાઇ હતી તેમ છતાં તે લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી.
ઓફકોમના વરિષ્ઠ અધિકારી ઇયાન સ્ટ્રોહોર્ને જણાવ્યું હતું કે, મહત્વના હોય તેવા લાખો લેટર્સની મોડી ડિલિવરી થઇ રહી છે. લોકોને સ્ટેમ્પ માટે ખર્ચેલા નાણાનું પુરતું વળતર મળતું નથી. આ પ્રકારની નિષ્ફળતા અસ્વીકાર્ય છે. ગ્રાહકો સારી સેવાની આશા અને અધિકાર ધરાવે છે. રોયલ મેઇલે તાકિદના ધોરણે ગ્રાહકોનો ભરોસો જીતવાના પ્રયાસ કરવા જોઇએ. કંપનીએ ઠાલાં વચનો આપવાને બદલે નક્કર સુધારા કરી બતાવવા જોઇએ. જો રોયલ મેઇલ તેની સેવાઓમાં સુધારા કરવામાં સફળ નહીં થાય તો અમે દંડ ફટકારવાનું જારી રાખીશું.


