લંડનઃ કિંગ્સ કોલેજ, લંડને કોલેજ ખાતે સતીશ ધવન ચેર ઈન સ્પેસ પોલિસીને કાર્યરત બનાવવા ભારત સરકાર પાસેથી બાકીના ભંડોળને મંજૂર કરવા માગણી કરી છે. કિંગ્સ કોલેજના વિઝિટિંગ પ્રોફેસર ભુપેન્દ્ર જસાણીએ આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ધવન ચેર અંગે વિચારોની માહિતી આપવા માટે મુલાકાતનો સમય પણ માગ્યો છે. કિંગ્સ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ વોર સ્ટડીઝમાં આ ચેર-વિભાગ સ્થાપવાની યોજના છે.
આ ચેરનો હેતુ ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પૂર્વ ચેરમેન અને ભારતના અતિ સફળ અવકાશ કાર્યક્રમના શિલ્પી સતીશ ધવનનું ગૌરવ કરવા ઉપરાંત, સાયન્સમાં માનવીય મૂલ્યો, આંતરરાષ્ટ્રીય સહકાર અને સામાજિક વિકાસને ઉત્તેજન આપતા સંશોધનોના પાઠ ભણાવવા સાથે આગામી પેઢીના વિજ્ઞાનીઓને તાલીમબદ્ધ કરવાનો છે.
આ વિભાગ લાંબો સમય કાર્યરત રાખી શકાય તે માટે ૩.૫ મિલિયન પાઉન્ડનું ભંડોળ આવશ્યક ગણાયું છે, જે અંશતઃ યુકે અને અંશતઃ ભારતમાંથી એકત્ર કરવાનું છે. પ્રોફેસર જસાણીએ વડા પ્રધાન મોદીને પત્રમાં જણાવ્યું છે કે, ‘ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા જાન્યુઆરી ૨૦૧૨માં ચેર સ્થાપવા ત્રણ વર્ષ માટેના પ્રારંભિક ફંડની ઓફર કરાઈ હતી. આ ફંડ લંડનસ્થિત હાઈ કમિશનર ઓફિસ મારફત કિંગ્સ કોલેજને મળવાનું હતું. જોકે, DSTએ વહીવટી કારણોસર આ ફંડ બેંગલોરસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ (NIAS) દ્વારા આપવાનું પસંદ કર્યું હતું. અમે ૨૦૧૩માં DSTને નવી અરજી સુપરત કરી હતી. DST દ્વારા બે રેફરીના મંતવ્યો પણ મગાવાયા હતા અને વિભાગ સ્થાપવાના સમર્થનમાં મંતવ્યો પણ તેને મળી ગયા છે. આમ છતાં, કમનસીબે આ બાબત આગળ વધી નથી.’
કિંગ્સ કોલેજ, લંડન ખાતે સ્થપાનાર ધવન ચેર ઈન સ્પેસ પોલિસીની કલ્પના ૨૦૦૯માં કરાઈ હતી. પ્રોફેસર સતીશ ધવન (૧૯૨૦-૨૦૦૨) ઉચ્ચ ટેકનોલોજીની સહાયથી સમાજમાં પરિવર્તનના હિમાયતી હતા. તેમના વડપણ હેઠળ બે અતિ મહત્ત્વપૂર્ણ રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશન્સ પ્રોજેક્ટ્સ કાર્યરત કરાયા હતા. ત્રીજો પ્રોજેક્ટ પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV) વિકસાવાયો હતો, જેની સુધારેલી આવૃત્તિ થકી ૨૦૦તમાં ભારતના સૌપ્રથમ અમાનવ લ્યુનાર પ્રોબ ચંદ્રાયન-૧ને લોન્ચ કરવામાં આવ્યું હતું.
ભારતીય ઉપખંડની બહાર આવી અનોખી ચેર સ્થાપવી તે ભારતના પનોતા પુત્ર અને મહાન વૈજ્ઞાનિકને યોગ્ય આદરાંજલિનું અર્પણ કહેવાશે.


