લંડનઃ વેસ્ટમિન્સ્ટર હાલમાં એક એવા આંતરિક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે જે બ્રિટિશ રાજકારણને નવો આકાર આપી શકે છે. સ્થાનિક ચૂંટણીઓના નબળા પરિણામો બાદ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ વચ્ચેનું લાંબા સમયનું ઠંડું યુદ્ધ હવે પાર્ટીના અસ્તિત્વ માટેની ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયું છે.
બર્નહામ કોમન્સમાં પ્રવેશી શકે તે માટે પૂર્વ મિનિસ્ટર જોશ સિમન્સે મેકરફિલ્ડ બેઠક પરથી રાજીનામુ આપ્યા બાદ સ્ટાર્મર અને બર્નહામ વચ્ચેનો જંગ વધુ ઉગ્ર બન્યો હતો. બર્નહામને અટકાવવા સ્ટાર્મરે ઘણા ધમપછાડા કર્યા પરંતુ નિષ્ફળ ગયા છે. લેબરની કારોબારીએ પણ પેટાચૂંટણીમાં બર્નહામની ઉમેદવારી પર મહોર મારી દેતાં હવે કિંગ ઇન ધ નોર્થ તરીકે ઓળખાતા બર્નહામે લંડન તરફ કૂચ કરવા માટે પોતાનો સામાન પેક કરી લીધો છે.
બર્નહામે પ્રથમ પ્રહાર કરતા લેબર પાર્ટીમાં બદલાવ લાવવાની પ્રતિજ્ઞા સાથે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય નેતૃત્વ મોંઘવારીના સંકટને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જોકે સ્ટાર્મર પણ હાર માનવા તૈયાર નથી. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ સહિતના મંત્રીઓના રાજીનામા છતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હમણાં વડાપ્રધાનપદ પરથી હટી જવાનો કોઈ ઈરાદો નથી. હું મેદાન છોડીને ભાગવાનો નથી. તેથી હવે આ લડાઈ વધુ લાંબી અને ઉગ્ર બનવાના સંકેત મળી રહ્યા છે.
જો આ લડાઈનો નિર્ણય પાર્ટીના સામાન્ય સભ્યો દ્વારા કરવામાં આવે, તો એન્ડી બર્નહામનું પલ્લું ભારે છે. તાજેતરના એક સરવે અનુસાર લેબર પાર્ટીના સભ્યોના મૂડમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. 59 ટકા લેબર સભ્યોનું કહેવું છે કે તેઓ બર્નહામને નેતા તરીકે પસંદ કરે છે જ્યારે સ્ટાર્મરના પક્ષમાં માત્ર 37 ટકા સભ્યો છે. 61 ટકા સભ્યો ઈચ્છે છે કે આગામી સામાન્ય ચૂંટણી પહેલા સ્ટાર્મર પોતાના પદ પરથી રાજીનામું આપી દે.
જો કે, સ્ટાર્મરને પણ નબળા આંકી શકાય નહીં. તેમની પાસે વડાપ્રધાન કાર્યાલયની શક્તિશાળી મશીનરી અને સંસદીય પક્ષના મધ્યમમાર્ગી નેતાઓનું મજબૂત સમર્થન છે. પરંતુ તેમની પાસે ભલે અત્યારે સત્તાનો કિલ્લો હોય પરંતુ બર્નહામ પાસે સમર્થકોનું મોટું સૈન્ય છે. જો બર્નહામ મેકરફિલ્ડની પેટાચૂંટણી જીતી જશે તો સ્ટાર્મરના વડાપ્રધાન પદના અંતની શરૂઆત થઈ જશે. આ રાજકીય જંગમાં અત્યારે બર્નહામનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.
રાજીનામાની સમયમર્યાદા આપવા સ્ટાર્મરનો ઇનકાર
ગયા સપ્તાહમાં હેલ્થ સેક્રેટરી સ્ટ્રીટિંગના રાજીનામા બાદની પહેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે રાજીનામા માટે સમયમર્યાદા આપવાનો ઇનકાર કરી દીધો છે. કેબિનેટ બેઠકમાં સ્ટાર્મરના સમર્થક અને વિરોધી મંત્રીઓ હાજર રહ્યાં હતાં. બેઠકમાં નવા હેલ્થ સેક્રેટરી જેમ્સ મરે પણ હાજર હતા.
મેકરફિલ્ડ બેઠક પર બર્નહામ માટે કપરાં ચઢાણ
એન્ડી બર્નહામ અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ વચ્ચેનો સૌથી મોટો અવરોધ લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે આવેલા કેટલાક નાના શહેરો છે. તેમના સાથીદારોનું કહેવું છે કે મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં તેમના જીતવાની શક્યતા 45 ટકા છે. જો માત્ર રાષ્ટ્રીય મતદાન પર નજર કરીએ તો લેબર પાર્ટીની જીતની સંભાવના ઘણી ઓછી હશે. આ બેઠક લેબર માટે સુરક્ષિત મનાતી નથી. બર્નહામના પ્રભાવવાળા વિસ્તારમાં લેબર પાર્ટીએ જીતેલી 65 બેઠકોમાંથી મેકરફિલ્ડ ૧૫મા ક્રમની સૌથી ઓછું જીતનું અંતર ધરાવતી બેઠક હતી


