લંડનઃ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે ઘોષણા કરી છે કે જો અમે સત્તા પર આવીશું તો રવાન્ડા બોર્ડર પ્લાન રદ કરી નાખીશું ભલે પછી તેનાથી નાની હોડીઓ દ્વારા થતી ઘૂસણખોરીમાં ઘટાડો કેમ ન થયો હોય. તેમણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર માઇગ્રેશન ઘટાડવામાં સફળતા અંગે શંકા હોવાથી અમે આ અત્યંત ખર્ચાળ યોજનાને પડતી મૂકીશું.
સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું માનું છું કે રવાન્ડા પ્લાન ખોટી નીતિ છે. તે અત્યંત ખર્ચાળ પૂરવાર થશે. આ યોજના અંતર્ગત બહુ ઓછી સંખ્યામાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી શકાશે અને સમસ્યા ઠેરની ઠેર રહેશે. તમે કદાચ એમ માની રહ્યાં છો કે આ યોજના સફળ થશે તેથી મને આ સવાલ કરી રહ્યાં છો પરંતુ સરકાર અમને વારંવાર કરી ચૂકી છે અને કહી રહી છે કે રવાન્ડા સ્કીમના કારણે ગેરકાયદેસર માઇગ્રેશનમાં ઘટાડો થશે પરંતુ તેમ થયું નથી.

