લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પ્રત્યે આકરું વલણ અપનાવતા રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે માઇગ્રેશન પર તેમની પાર્ટીની ભાવિ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા રાજ્યાશ્રયવાંચ્છુઓને સામુહિક દેશનિકાલ કરવાનું વચન આપતાં યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ સાથે છેડો ફાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ફરાજે પાંચ વર્ષ માટે રેફ્યુજી કન્વેન્શનનો અમલ બંધ કરી દેવાની પણ જાહેરાત કરી હતી.
ફરાજે જણાવ્યું હતું કે, જો રિફોર્મ યુકેની સરકાર રચાશે તો પહેલા પાંચ વર્ષમાં 6 લાખ રાજ્યાશ્રયવાંચ્છુને દેશનિકાલ કરાશે. તેમણે જણાવ્યું હતું કે, વિઝાની મુદત કરતાં યુકેમાં વધુ રોકાઇને રાજ્યાશ્રયની મંજૂરી મેળવનારા વિદેશીઓ સામે પણ પગલાં લેવાશે. પાકિસ્તાનથી આવેલા લોકોનો ઉલ્લેખ કરતાં ફરાજે જણાવ્યું હતું કે, તેઓ ચેનલ પાર કરીને આવ્યા નથી. તેઓ પરિવારજનોની મુલાકાત લેવાના બહાને આવે છે અને પછી યુકેમાં જ રોકાઇ જાય છે. આ એક વર્ષોથી ચાલ્યું આવતું રેકેટ છે. .આજ બાબત વિદેશી વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. જેઓ અહીં અભ્યાસ માટે આવીને જાણીજોઇને રોકાઇ જાય છે. અગાઉની સરકારોએ આ સમસ્યા માટે કોઇ પગલાં લીધાં નથી.


