લંડનઃ પશ્ચિમ બંગાળની ૧૮ વર્ષીય સત્પર્ણા મુખરજી રિસર્ચ પ્રોજેક્ટ માટે પસંદગી કરાયેલી સૌથી નાની વયની ભારતીય બની છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એરોનોટિક્સ (NASA)એ તેના ગોડાર્ડ ઈન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ સ્ટડીઝ (GISS)ના પ્રતિષ્ઠિત ગોડાર્ડ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ માટે એ-લેવલ (ભારતનું ૧૨મું ધોરણ)માં અભ્યાસ કરતી સત્પર્ણાની પસંદગી કરી છે. સત્પર્ણાએ ‘બ્લેક હોલ થીઅરી’ વિશે એક પેપર લખી તેનો ઉપયોગ ‘ટાઈમ મશીન’ના સર્જન તરીકે કરી શકાય તેમ પ્રતિપાદિત કર્યું હતું. આ પેપર બદલ તેને સર્વોચ્ચ નાસા સ્કોલરશિપ મળી હતી.
કોલકતાથી ૩૦ કિ.મી.ના અંતરે મધ્યમગ્રામ, કુમદુનીમાં રહેતી સત્પર્ણા તેની ફાઈનલ પરીક્ષાઓ પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના લંડન એસ્ટ્રોબાયોલોજી સેન્ટરમાં એરોસ્પેસ એન્જિનીઅરીંગમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચ.ડી. (નાસા ફેકલ્ટી તરીકે) અભ્યાસ કરશે.
નાસામાં પોતાની પસંદગી વિશે સત્પર્ણાએ જણાવ્યું હતું કે બ્લેક હોલ થીઅરી પર તેના પેપરને યુએસ સ્પેસ એજન્સી સાથે શેર કરાતા તેની ભારે કદર થઈ હતી. ઈન્ટર્નશિપ પ્રોગ્રામના તે નાસાના કર્મચારી અને સંશોધક તરીકે કાર્ય કરશે. નાસા તેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા સાથે સારું માનદ વેતન પણ આપશે. સમગ્ર વિશ્વમાં નાસાના પ્રતિષ્ઠિત પ્રોગ્રામ માટે સત્પર્ણા સહિત પાંચ સ્કોલરની પસંદગી કરાઈ છે.