લંડનઃ એર ઇન્ડિયા ક્રેશના પીડિત પરિવારો વતી કેસ લડી રહેલા અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી પીડિત પરિવારોનો ઘા રુઝાશે નહીં. ઘણાં પરિવારો હજુ પણ વચન પ્રમાણે વળતરની રાહ જોઈ રહ્યા છે. કેટલાક પરિવારો તેમના પ્રિયજનોની યાદો ધરાવતી અંગત વસ્તુઓમેળવવાની આશા રાખી રહ્યા છે.
માઈક એન્ડ્રુઝે વિમાનમાં સંભવિત ઇલેક્ટ્રિકલ ખામી તરફ ધ્યાન દોરતા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રેમ એર ટર્બાઇન(RAT)નું ટેકઓફ પછી તરત જ આપમેળે સક્રિય થવું અત્યંત અસામાન્ય છે. આવું સામાન્ય રીતે ત્યારે જ થાય છે જ્યારે વિમાનની ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાઈ હોય. એક બચી ગયેલા વ્યક્તિએ કેબિનની લાઇટ અચાનક બંધ થઈ જવાની અને પછી ફરી ચાલુ થવાની જાણ કરી હતી, જે પણ ઈલેક્ટ્રિકલ ફેલ્યોર તરફ ઇશારો કરે છે. મારી ટીમ બોઇંગ 787ની ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં નવ-દસ વર્ષ પહેલાં જે ખામીઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, તે આ અકસ્માતનું મૂળ કારણ હોઈ શકે છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. મારી ટીમ પુરાવા, ડેટા અને સત્યનો પીછો કરી રહી છે જેથી પીડિત પરિવારોને ઝડપથી ન્યાય મળે અને તેઓ તેમના પ્રિયજનોના છેલ્લા શબ્દોને સમજીને રાહતનો શ્વાસ લઈ શકે.


