સદીઓથી વિદ્વાનોને મૂઝવતો પાણિનીના વ્યાકરણનો કોયડો ભારતીય વિદ્યાર્થીએ ઉકેલ્યો

કેમ્બ્રિજના રિશી રાજપોપટના સંશોધનથી પાણિનીનું વ્યાકરણ કોમ્પ્યુટર પર શીખી શકાશે

Wednesday 21st December 2022 05:46 EST
 
 

લંડન

પાંચમી સદીથી વિદ્વાનોને મૂઝવતો સંસ્કૃતનો વ્યાકરણનો કોયડો કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થી રિશી રાજપોપટે ઉકેલી નાખ્યો છે. 2500 વર્ષ પહેલાં થઇ ગયેલા સંસ્કૃતિના વિદ્વાન પાણિની દ્વારા તૈયાર કરાયેલા નિયમને પીએચડીના વિદ્યાર્થી રિશી રાજપોપટે ઉકેલી નાખ્યો છે. સંસ્કૃત ભાષા ફક્ત ભારતમાં જ બોલાય છે અને દેશની 140 કરોડની જનતામાંથી ફક્ત 25000 લોકો જ વ્યવહારમાં આ ભાષાનો ઉપયોગ કરે છે. પાણિનીનું વ્યાકરણ અષ્ટાધ્યાયી તરીકે ઓળખાય છે. જોકે પાણિનીના વ્યાકરણના નિયમો એકસાથે સમાંતર રીતે લાગુ થતા હોવાથી નિયમોમાં વિરોધાભાસ સર્જાતો હતો. જેના કારણે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા પરિણામ મળતાં હતાં. પરંતુ રિશી રાજપોપટે આ નિયમોના પરંપરાગત અર્થઘટનને નકારી કાઢ્યું છે. તેમણે દલીલ કરી છે કે પાણિનીના નિયમો શબ્દની ડાબે અને જમણે લાગુ થતાં હતાં. પાણિની ઇચ્છતા હતા કે આપણે નિયમને જમણી બાજુથી લાગુ કરીએ . પોતાના દ્વારા કરાયેલા અર્થઘટન દ્વારા રાજપોપટે પાણિનીનું લેંગ્વેજ મશીન શોધી કાઢ્યું હતું જે વ્યાકરણની દ્રષ્ટિએ સાચા શબ્દ તૈયાર કરી શકે છે.

રાજપોપટે જણાવ્યું હતું કે, નવ મહિનાની આકરી મહેનત બાદ હું સમસ્યાનો ઉકેલ મેળવવામાં સફળ થયો હતો. પહેલાં તો હું હતાશ થયો હતો અને આ કાર્યને છોડી દેવાનો હતો. એક મહિના સુધી તો મેં તમામ પુસ્તકો અભેરાઇ પર ચડાવી દીધાં હતાં. પરંતુ જ્યારે મેં ફરી કામ શરૂ કર્યું ત્યારે મને થોડી જ મિનિટોમં પેટર્ન સમજમાં આવવા લાગી હતી. થોડા જ સપ્તાહોમાં મને મળેલા પરિણામો ઉત્સાહજનક હતાં. અઢી વર્ષ બાદ મને ધારી સફળતા હાંસલ થઇ હતી.

રાજપોપટ કહે છે કે ભારતનું પૌરાણિક જ્ઞાન સંસ્કૃતમાં સમાયેલું છે અને આપણા પૂર્વજોએ મેળવેલી સિદ્ધીઓને આપણે હજુ સારી રીતે સમજી શક્યાં નથી. મને આશા છે કે મારા આ સંશોધનથી ભારતમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. હવે પાણિનીના વ્યાકરણને કોમ્પ્યુટર પર શીખવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter