લંડનઃ મનોબળ મક્કમ હોય તો સાહસમાં ઉંમરનો બાધ હોતો નથી તેવી ઉક્તિને સદીવીર દાદીમા ‘ડેરિંગ’ ડોરિસ લોન્ગે ચરિતાર્થ કરી બતાવી છે. થોડી ઊંચાઈએથી નીચે જોવાનું થાય ત્યારે ભલભલાને ચક્કર આવી જતાં હોય છે ત્યારે બ્રિટનના સૌથી ઊંચા એટલે કે પોર્ટ્સમથના આશરે ૫૬૦ ફૂટ ઊંચાઈના સ્પિનાકેર ટાવર બિલ્ડિંગ પરથી માત્ર ફિક્સ્ડ દોરીની મદદથી નીચે ઉતરીને ૧૦૧ વર્ષના પેન્શનર ડોરિસે વોટર્લુવિલેના રોવાન્સ હોસ્પિસ માટે નાણા એકત્ર કરવાના આશયથી અપ્રતિમ સાહસનું પ્રદર્શન કરતાં લોકોની વાહવાહી પ્રાપ્ત કરી છે. આ સાહસ સાથે તેમણે વયોવૃદ્ધ એબ્સેઈલર તરીકે પોતાના જ અગાઉના વિક્રમને તોડ્યો છે.
દાદીમા ડોરિસે રવિવાર ૧૨ જુલાઈએ હેમ્પશાયરના પોર્ટ્સમથના સ્પિનાકેર ટાવર બિલ્ડિંગ પરથી દોરી વડે ઝૂલતાં ઝૂલતાં ૯૪ મીટર નીચે ઉતરવાનું સાહસ કર્યું હતું. વરસાદ અને સૂસવાટા મારતા પવનો પણ તેમની સાહસવૃત્તિને મંદ કરી શક્યાં ન હતાં. આ પ્રવૃત્તિ abseilling તરીકે ઓળખાય છે. હેલિંગ આઈલેન્ડના વયોવૃદ્ધ રહેવાસી ડોરિસે મે ૨૦૧૪માં તેમનાં ૧૦૦મા જન્મદિને પણ ૩૧૦ ફૂટની ઊંચાઈના બિલ્ડિંગ પરથી આવું સાહસ દર્શાવી સૌથી વધુ વયના એબ્સેઈલર તરીકે વિક્રમ સર્જ્યો હતો. ચેરિટી ભંડોળ એકત્ર કરનાર ડોરિસ લોન્ગને MBEથી સન્માનિત પણ કરાયાં છે.
સૌપ્રથમ ૮૫ વર્ષની વયે એબ્સેઈલિંગ કરનારાં ડોરિસે કહ્યું હતું કે, ‘હું ડરતી નથી અને મારી પ્રકૃતિ જ સ્વસ્થ છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ વધુ કઠિન કાર્ય હતું. પવનના કારણે હું ઝૂલતી હતી, મારાં વાળ પણ ચોંટી ગયાં હતાં અને હાથ-પગ પણ દુખ્યાં હતાં, પણ મઝા આવી ગઈ.’ આગામી વર્ષે ૧૦૨ વર્ષની ઉંમર થાય ત્યારે પણ પડકાર ઝીલવાની આશામાં જ હું જીવીશ તેમ તેમણે કહ્યું હતું. રોવાન્સ હોસ્પિસ ખાતે ફંડરેઈઝર કારેન કેએ કહ્યું હતું કે ડોરિસ અદ્ભૂત અને પ્રેરણાદાયી મહિલા છે. તેઓ હોસ્પિસ માટે ૧૦થી વધુ વર્ષથી એબ્સેઈલિંગ કરે છે અને £૧૧,૦૦૦થી વધુ રકમ એકત્ર કરી છે.