લંડન
બ્રિટનમાં 1976 પછીના સૌથી કારમા દુકાળના ડાકલા વાગવા લાગ્યા છે જેના પગલે વોટર કંપનીઓએ પાણીના વપરાશ પર નિયંત્રણોનો પ્રારંભ કરી દીધો છે. સધર્ન વોટર કંપનીએ દેશમાં સૂકીભઠ બની રહેલી નદીઓની સ્થિતિને ધ્યાનમાં લેતાં હોસપાઇપ દ્વારા પાણીના વપરાશ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેના પગલે 1 કરોડ 70 લાખ બ્રિટિશરો સીધા આ પ્રતિબંધના દાયરામાં આવી ગયાં છે. કેન્ટ અને સસેક્સને પાણીનો પૂરવઠો પૂરો પાડતી સાઉથ વેસ્ટ વોટર કંપનીએ પણ 12મી ઓગસ્ટથી આ વિસ્તારોમાં હોસપાઇપ અને સ્પ્રિન્કલરની મદદથી પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે જેના પગલે સધર્ન ઇંગ્લેન્ડના 30 લાખ લોકો પાણીના વપરાશ પર પ્રતિબંધના દાયરામાં આવી ગયાં છે. આ બંને કંપનીઓને પગલે વેલ્શ વોટર કંપનીએ પણ 198મી ઓગસ્ટથી હોસપાઇપ બાન લાદ્યો છે જેના પગલે બે લાખ ગ્રાહકોને પાણીના કાપનો સામનો કરવો પડશે.
સધર્ન વોટર કંપનીએ લાદેલા પ્રતિબંધને કારણે આ નિર્ણયને પગલે હેમ્પશાયર અને આઇલ્સ ઓફ વિટના 10 લાખ લોકોને અસર થશે. આ પ્રતિબંધ બાદ હોસપાઇપ દ્વારા બગીચામાં પાણીનો છંટકાવ કરનારા, કાર ધોનારા અથવા તળાવ કે સ્વિમિંગ પુલ ભરનારા ગ્રાહકોને કંપની દ્વારા 1000 પાઉન્ડનો દંડ થઇ શકે છે. જોકે કંપનીની લીક થતી પાણીની પાઇપો દ્વારા દરરોજ વેડફાઇ જતાં 21 મિલિયન ગેલન પાણી અંગે કંપની દ્વારા કોઇ ઉલ્લેખ કરાયો નથી.
સાઉથવેસ્ટ વોટર કંપનીએ જણાવ્યું હતું કે, 12મી ઓગસ્ટના શુક્રવારથી કેન્ટ અને સસેક્સમાં હોસપાઇપ બાન અમલમાં આવશે. જેના પગલે 22 લાખ ગ્રાહકોને અસર થશે. ગયા વર્ષે આ કંપનીની પાઇપોમાં લીકેજના કારણે પ્રતિ દિન 88.7 મિલિયન લિટર પાણીનો વેડફાટ થયો હતો. કંપનીએ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા ગ્રાહકો પર 1000 પાઉન્ડનો દંડ લાદવાની જાહેરાત કરી છે.
સધર્ન વોટર અને સાઉથવેસ્ટ વોટરની જેમ હવે થેમ્સ વોટર, સાઉથ ઇસ્ટ વોટર અને વેલ્શ વોટર કંપનીઓએ પણ આ પ્રકારના આકરાં પગલાં લેવાની ચેતવણી આપી છે. આ કંપનીઓએ તેમના 17 કરોડ 30 લાખ વપરાશકારોને પાણીનો વપરાશ ઘટાડવા સૂચના આપી છે. સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે, વધુ વોટર કંપનીઓ દ્વારા હોસપાઇપ પ્રતિબંધ લદાઇ શકે છે.
1911 પછીનો સૌથી સૂકો જુલાઇ મહિનો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1911 પછીનો આ સૌથી સૂકો જુલાઇ મહિનો છે. જેમાં નહીંવત વરસાદ જોવા મળ્યો છે. ઓગસ્ટમાં પણ સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની વકીના કારણે સૂકું હવામાન જારી રહેવાની સંભાવના છે. બ્રિટનના દક્ષિણના હિસ્સાઓમાં આગામી સમયમાં વરસાદ થવાની કોઇ સંભાવના દેખાતી નથી. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો દક્ષિણ બ્રિટનની નદીઓ અને જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી શકે છે.
શેના પર પ્રતિબંધ
- હોસપાઇપની મદદથી ગાર્ડનમાં પાણીનો છંટકાવ
- હોસપાઇપની મદદથી કાર વોશિંગ
- હોસપાઇપની મદદથી કોમર્શિયલ બિલ્ડિંગમાં છોડને પાણી પાવું
- હોસપાઇપની મદદથી પ્રાઇવેટ બોટની સફાઇ
- ઘરમાં સ્વિમિંગ પુલમાં પાણી ભરવું
- હોસપાઇપની મદદથી પાણી ખેંચવું
- હોસપાઇપની મદદથી ઘરેલુ તળાવ ભરવું
- ઓર્નામેન્ટલ ફાઉન્ટેન ચલાવવા
- હોસપાઇપની મદદથી દિવાલો અને બારીઓનું સફાઇકામ
- હોસપાઇપની મદદથી પગરસ્તાઓ સાફ કરવા
- ઘરની બહાર આવેલી સપાટીઓ હોસપાઇપથી ધોવી
દુકાળના કારણે ટેમ્સ નદી પાંચ માઇલ સંકોચાઇ ગઇ
દુકાળના કારણે ટેમ્સ નદીમાં પાણી પૂરું પાડતાં સ્ત્રોત સૂકાઇ જવાના કારણે નદી પાંચ માઇલ સંકોચાઇ ગઇ છે. ગ્લૂસેસ્ટરશાયર નજીક આવેલા સાયરનસેસ્ટર નજીક ટેમ્સ નદીનું મૂળ સૂકાઇ જવાના કારણે નદીનો પ્રવાહ પણ ઘટી ગયો છે. રિવર્સ ટ્રસ્ટના અધિકારી ડો રોબ કોલિન્સ કહે છે કે ટેમ્સ નદીનું મૂળ ખસીને હવે સમરફોર્ડ ખાતે આવી ગયું છે. તેના કારણે હવે ટેમ્સ વોટર કંપનીએ આગામી સપ્તાહોમાં અન્ય વોટર કંપનીઓની જેમ હોસપાઇપ પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી છે. સૂકા હવામાનના કારણે પાણીની માગ છેલ્લા 25 વર્ષની ટોચની સપાટી પર પહોંચી છે.


