લંડનઃ ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવા હેરોની 13 વર્ષીય વિદ્યાર્થિની સનાયા આનંદની પસંદગી કરાઇ છે. નોવર હિલ હાઇસ્કૂલની વિદ્યાર્થિની સનાયા આગામી 5થી 8 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનાર આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કોમનવેલ્થ દેશોના યુવા કરાટે ખેલાડીઓ સામે પોતાનું કૌશલ્ય દર્શાવશે.
માત્ર છ વર્ષની નાની ઉંમરે કરાટેની શરૂઆત કરનાર સનાયા છેલ્લા સાત વર્ષથી આ રમત માટે સખત પરિશ્રમ કરી રહી છે. હાલમાં તે કેએમએલ કરાટે ક્લબ ખાતે સેન્સી જેરોમ કુમેડઝીનાના માર્ગદર્શન હેઠળ અઠવાડિયામાં ચાર દિવસ તાલીમ મેળવે છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતા સનાયાના માતા-પિતા અતિશ અને દીપા આનંદે જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે રમત પ્રત્યેનું આ સ્તરનું સમર્પણ જાળવવું એ ખૂબ જ પડકારજનક છે. સાત વર્ષની આકરી મહેનત બાદ દેશ માટે રમવાની તક મળવી એ અમારે માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.
પોતાની આ સફળતા અંગે વાત કરતા સનાયાએ જણાવ્યું કે તેનું લક્ષ્ય માત્ર સ્પર્ધામાં ભાગ લેવાનું નથી પરંતુ દેશ માટે સુવર્ણ કે અન્ય મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાનું છે.


