લંડનઃ પંદર વર્ષ સુધી સન્ડરલેન્ડની ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિએટિંગ કમિટી (PSNC)ના ચેરમેનપદે સુદીર્ઘ કામગીરી બજાવ્યા પછી ઉમેશ પટેલ MBEએ તે હોદ્દો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. તેમને લાગ્યું હતું કે હવે આ કામગીરી પેનલના અન્ય સભ્ય સંભાળે તે સમય આવી પહોંચ્યો છે. તેમનું સ્થાન ટેસ્કોના એડ્રિયન પ્રાઈસે સંભાળી લીધું છે.
કોમ્યુનિટી ફાર્મસી માટે સતત કાર્યશીલ અને ઉત્સાહી ઉમેશ પટેલે PSNC નિયમોમાં ઘણાં બંધારણીય ફેરફાર અને સુધારા કરવામાં પેનલને મદદરૂપ થયા હતા. કોમ્યુનિટી ફાર્મસીને આપેલા યોગદાન બદલ ફાર્મસી ક્ષેત્રમાં ખૂબ માન ધરાવતા ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, ‘રિવ્યુ અને ઓડિટ પેનલના ચેરમેન તરીકે ૧૫ વર્ષ સુધી કાર્ય કરવામાં મને ખૂબ માનસન્માન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન કમિટીની કામગીરીથી હું ભારે ગૌરવ અનુભવું છે. જોકે, હવે આ પદત્યાગ કરી પેનલના અન્ય સભ્ય આ ભૂમિકા સંભાળે તેવો યોગ્ય સમય આવી પહોંચ્યો હોવાનું મને જણાય છે. એડ્રિયનને આ ભૂમિકા માટે શુભકામના પાઠવું છું અને આવનારા વર્ષોમાં હું તેમને મદદ કરતો રહીશ.’
તેઓ નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડને આવરી લેતી રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી (RPSGB)ની રિજનલ બ્રાંચના ચેરમેનપદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA)ના બોર્ડ મેમ્બર તથા NPAના વાઈસ ચેરમેન અને ચેરમેન તરીકે એક વર્ષ સેવા આપી હતી. તેઓ સખાવતી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા છે. તેમના પત્ની દામિની પણ ફાર્માસિસ્ટ છે. તેઓ સન્ડરલેન્ડમાં એક હાઈ સ્ટ્રીટ ફાર્મસીનું સંચાલન સંભાળે છે.