સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ૧૫ મૂળ ભારતીયને સ્થાન

Wednesday 26th May 2021 05:51 EDT
 
(વચ્ચે) સર લીઓનાર્ડ બ્લાવાટ્નિક (પ્રથમ ક્રમ), ડાબે ડેવિડ અને સિમોન રુબેન (દ્વિતીય ક્રમ) અને હિન્દુજા બ્રધર્સ (ત્રીજા ક્રમે)
 

લંડનઃ ગત સપ્તાહે The Sunday Times Rich List 2021ની જાહેરાત કરાઈ હતી. સામાન્યપણે યુકેના ઓછામાં ઓછાં ૧૦૦૦ ધનવાનોને આ યાદીમાં સ્થાન અપાય છે પરંતુ, મહામારીને ધ્યાનમાં રાખતા આ યાદીમાં માત્ર ૨૫૦ નામનો સમાવેશ કરાયો છે. યાદીમાં આશરે ૨૬ એશિયન ધનવાનોમાં ૧૫ ધનવાન મૂળ ભારતીય છે. ભૂતકાળમાં પણ બ્રિટિશ એશિયનોએ રિચ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. અગાઉની યાદીમાં આશરે ૯ ટકા એન્ટ્રીમાં ચાઈનીઝ, ભારતીય, પાકિસ્તાની અને શ્રીલંકન વ્યક્તિઓ અને પરિવારો સમાવિષ્ટ હતા પરંતુ, આ વર્ષે મહામારીના કારણે વંશીય લઘુમતીઓના પ્રતિનિધિત્વને માર પડ્યો છે.

ગયા વર્ષમાં હજારો લોકોએ તેમના સ્વજનોને દફનાવ્યા હતા અને લાખો લોકોએ પોતાના જીવનનિર્વાહની ચિંતા અનુભવી હતી. પરંતુ, આ જ સમયગાળામાં કેટલાક લોકોએ બિલિયન્સ પાઉન્ડની કમાણી કરી હતી. વૈશ્વિક મહામારીએ ઈન્ટરનેટ ફેશન રિટેઈલર્સ, કોમ્પ્યુટર ગેઈમ્સ ટાઈકૂન્સ તેમજ અન્ય ટેકનોલોજી એન્ટ્રેપ્રીન્યોર્સ માટે નવી તક ઉભી કરી હતી જેમણે પોતાના ઉત્પાદનો આપણા ઘરઆંગણે મોકલી આપ્યા અને લોકડાઉનની જિંદગીને થોડી સહ્ય બનાવી હતી.

એસ્ટોન બિઝનેસ સ્કૂલ ખાતે ધ સેન્ટર ફોર રિસર્ચ ઈન ઈથનિક માઈનોરિટી એન્ટ્રેપ્રીન્યોરશિપના અંદાજ અનુસાર યુકેના ૫.૯ મિલિયન બિઝનેસીસમાંથી આશરે ૨૫૦,૦૦૦ બિઝનેસીસ વંશીય લઘુમતી સમુદાયની માલિકીના છે જેમાંથી આશરે ૪૦,૦૦૦ અશ્વેત માલિકીના છે. આંકડા જોઈએ તો બ્રિટિશ વસ્તીમાં ૩.૩ ટકાનો હિસ્સો ધરાવવા છતાં, યુકે બિઝનેસીસના માત્ર ૦.૬૭ ટકાની માલિકી અશ્વેત લોકો હસ્તક છે.

ટાઈમ્સ રિચ લિસ્ટમાં પ્રથમ ક્રમે અંદાજે ૨૩ બિલિયનની સંપત્તિ સાથે મૂળ રશિયન અને યુકે-યુએસની બેવડી નાગરિકતા ધરાવતા સર લીઓનાર્ડ બ્લાવાટ્નિક છે. વાર્ષિક યાદીમાં ૧૭૧ બિલિયોનેર છે જે ગયા વર્ષ કરતા ૨૪ વધુ છે. ૩૩ વર્ષમાં આ સૌથી મોટો કૂદકો છે. કોરોના વાઈરસ મહામારીની વિષમ આર્થિક અસર છતાં,તેમની સંયુક્ત સંપત્તિ ૧૨ મહિનામાં ૨૨ ટકાના વધારા સાથે ૫૯૭.૨૬૯ બિલિયન પાઉન્ડ થઈ છે.

યંગ રિચમાં ૩૬ મિલિયનની સંપત્તિ સાથે એક માત્ર ઝયાન મલિક એશિયન છે. મહિલાઓમાં કિરણ મજુમદાર-શો (૨.૯૪૨ બિલિ.) અને વર્ષા એન્જિનીઅર (૧.૭ બિલિ.)નું સ્થાન છે.

ડેવિડ અને સિમોન રુબેનઃ મુંબઈમાં જન્મેલા રુબેન ભાઈઓ – ડેવિડ અને સિમોન ૨૧.૪૬૫ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રિચ લિસ્ટમાં બીજા અને યુકેના ધનવાનોમાં પ્રથમ સ્થાને રહ્યા છે. રુબેન ભાઈઓએ મહામારી કાળમાં નીચી કિંમતે હોટેલ્સ અને અન્ય પ્રોપર્ટીઝ ખરીદી હતી. તેમણે યુએસમાં ટિફાની, અરમાની અને એલેકઝાન્ડર મેક્ક્વીન જેવી મોટી બ્રાન્ડ્સમાં ધરખમ રોકાણો કર્યા છે. તેમણે સેંકડો લક્ઝરી રીટ્રીટ્સ બાંધવાની યોજના હેઠળ માલ્લોર્કા અને સ્પેનમાં પણ રોકાણો કર્યા છે.

હિન્દુજા બ્રધર્સઃ ગત વર્ષે હિન્દુજા સામ્રાજ્ય તિરાડો પડવા છતાં ૧૭ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રિચ લિસ્ટમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગયા વર્ષે હિન્દુજા અને રુબેન બ્રધર્સ સંયુકત બીજા ક્રમે હતા પરંતુ, ૨૦૨૧માં હિન્દુજા ભાઈઓ એક સ્થાન નીચે ઉતર્યા છે. રિચ લિસ્ટમાં લંડનસ્થિત ૮૫ વર્ષીય શ્રી હિન્દુજાની તેમના ત્રણ ભાઈઓ ગોપી (૮૧), જીનિવાસ્થિત પ્રકાશ (૭૫) અને મુંબઈસ્થિત અશોક (૭૦) સાથે કાનૂની તકરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુજા જૂથ મેન્યુફેક્ચરિંગ અને લક્ઝરી હોટેલ્સથી માંડી બેન્કિંગ અને હેલ્થકેર ક્ષેત્રોમાં કાર્યરત છે.

લક્ષ્મી મિત્તલ અને ફેમિલીઃ સ્ટીલ ટાઈકૂન લક્ષ્મી નારાયણ મિત્તલે ગયા વર્ષના ૧૯મા ક્રમેથી સીધા પાંચમા ક્રમે પહોંચી મોટો કૂદકો માર્યો છે. તેમની સંપત્તિ ૭.૮૯૯ બિલિયન પાઉન્ડના વધારા સાથે કુલ ૧૪.૬૮ બિલિયન પાઉન્ડ છે. રિચ લિસ્ટમાં જણાવ્યા મુજબ મિત્તિલ તેમના ગ્રૂપ (આર્સેલરમિત્તલ)ના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરવાના પાઈલોટ પ્રોજેક્ટ પાછળ લગભગ ૨૯૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી રહ્યા છે. તેમની કંપનીએ ૨૦૨૦ના વર્ષમાં ૫૮ મિલિયન ટન કાચું લોખંડ ખોદ્યું હતુ અને ૭૧.૫ મિલિયન ટન ક્રૂડ સ્ટીલનું નિર્માણ કર્યું હતું.

ટોપ ૧૦૦માં અન્ય ભારતવંશી બિલિયોનેર્સઃ યુકેમાં ટોચના ૧૦૦ બિલિયોનેર્સમાં ભારતવંશીઓના નામ આ પ્રમાણે છે. મેટલ્સ ટાઈકૂન અનિલ અગ્રવાલ ૯ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ૧૫મા ક્રમે, શ્રીપ્રકાશ લોહિયા ૪.૭૮૩ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ૩૬મા ક્રમે, લોર્ડ સ્વરાજ પોલ અને પરિવાર 2 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ૮૨મા ક્રમે તેમજ નવીન અને વર્ષા એન્જિનીઅર ૧.૭ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ૯૬મા ક્રમે રહ્યા છે.

સૌપ્રથમ અશ્વેત બિલિયોનેરઃ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટના ૩૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ સ્થાન મેળવનાર અશ્વેત બિલિયોનેર ઝિમ્બાબ્વેના ટેલિકોમ ટાઈકૂન સ્ટ્રિવે માસીયિવા છે. તેમણે ૧.૦૮૭ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે સૌપ્રથમ અશ્વેત બિલિયોનેરનું બહુમાન હાંસલ કર્યું છે. તેઓ હાલ આફ્રિકાની ૧.૩ બિલિયન વસ્તી માટે કોવિડ વેક્સિન્સ મેળવવાની કામગીરીમાં લાગ્યા છે. અગાઉ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝના મો ઈબ્રાહીમ, સર ડામોન બુફિની અને પ્રીપેઈડ ફાઈનાન્સિયલ સર્વીસીસના સહસ્થાપક વેલેરી મોરાને રિચ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે પરંતુ, તેઓ બિલિયોનેર ન હતા.

આ વર્ષના રિચ લિસ્ટમાં ઓછામાં ઓછી ૧ બિલિયન પાઉન્ડનું નેટવર્થ ધરાવતી ઓનલાઈન પેમેન્ટ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને અન્ય હાઈ ટેક સેવા પુરી પાડતી સ્ટાર્ટ-અપ્સનો પણ સમાવેશ કરાયો છે.

 

-------------------------------------------------------------------------------------------

અનુક્રમ  લિસ્ટમાં ક્રમ  નામ અને પરિવાર                               સંપત્તિ (£માં)                       કાર્યક્ષેત્ર

----------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) (૨) ડેવિડ અને સિમોન રુબેન                                     ૨૧.૪૬૫ બિલિ                     પ્રોપર્ટી અને ઈન્ટરનેટ

(૨) (૩) શ્રીચંદ-ગોપીચંદ હિન્દુજા અને પરિવાર                        ૧૭ બિલિ.                         ઈન્ડસ્ટ્રી અને ફાઈનાન્સ

(૩) (૫) લક્ષ્મી મિત્તલ અને પરિવાર                                   ૧૪.૬૮ બિલિ.                      સ્ટીલ

(૪) (૧૫) અનિલ અગ્રવાલ                                                ૯ બિલિ.                           માઈનિંગ

(૫) (૨૦) જર્માન ખાન                                                     ૭.૧૬૭ બિલિ.                      ઈન્ડસ્ટ્રી

(૬) (૩૬) શ્રીપ્રકાશ લોહિયા                                              ૪.૭૮૩ બિલિ.                      ટેક્સટાઈલ્સ અને પ્લાસ્ટિક્સ

(૭) (૩૭) મોહસીન અને ઝૂબેર ઈસા                                  ૪.૬૮ બિલિ.                        ફ્યૂલ ડિસ્ટ્રિબ્યુશન, સુપરમાર્કેટ્સ

(૮) (૫૬) જ્હોન શો- કિરણ મઝમુદાર શો અને પરિવાર             ૨.૯૪૨ બિલિ.                      ફાર્માસ્યુટિકલ્સ

(૯) (૬૪) સિમોન, બોબી અને રોબિન અરોરા                        ૨.૫૨૪ બિલિ.                      ડિસ્કાઉન્ટ સ્ટોર્સ

(૧૦) (૮૨) ફરહાદ મોશિરી                                             ૨ બિલિ.                              ઈન્વેસ્ટમેન્ટ અને ફૂટબોલ

(૧૧) (૮૨) શૈખ હમાદ બિન જાસ્મિન અલ થાની                      ૨ બિલિ.                               ઈન્વેસ્ટમેન્ટ અને પ્રોપર્ટી

(૧૨) (૮૨) લોર્ડ પૌલ અને ફેમિલી                                   ૨ બિલિ.                                        ઈન્ડસ્ટ્રી

(૧૩) (૯૬) મોહમ્મદ અલ ફાયેદ અને ફેમિલી                         ૧.૭ બિલિ.                               રિટેઈલિંગ

(૧૪) (૯૬) નવીન અને વર્ષા એન્જિનીઅર                              ૧.૭ બિલિ.                              ફાર્માસ્યુટિકલ્સ

(૧૫) (૧૧૭) વ્લાદિમીર કિમ                                        ૧.૪૨૭ બિલિ.                                   માઈનિંગ

(૧૬) (૧૧૮) મહમુદ કામાણી અને ફેમિલી                           ૧.૪૨૨ બિલિ.                                 ઈન્ટરનેટ રીટેઈલિંગ

(૧૭) (૧૨૫) સર અનવર પરવેઝ અને ફેમિલી                      ૧.૩૬ બિલિ.                                   કેશ એન્ડ કેરી

(૧૮) (૧૨૮) રાજ, ટોની અને હરપાલ મથારુ અને ફેમિલી            ૧.૩ બિલિ.                                 પ્રોપર્ટી અને હોટેલ્સ

(૧૯) (૧૪૫) સુરિન્દર અરોરા અને ફેમિલી                           ૧.૧૮૫ બિલિ.                                 હોટેલ્સ

(૨૦) (૧૪૬) નાધામી ઔચી                                        ૧.૧૮૨ બિલિ.                                  ફાઈનાન્સ

(૨૧) (૧૪૭) જસમિન્દર સિંહ અને ફેમિલી                          ૧.૧૮ બિલિ.                                       હોટેલ્સ

(૨૨) (૧૪૯) સુનિલ વાસવાની અને ફેમિલી                        ૧.૧૫૯ બિલિ.                                  ટ્રાન્સપોર્ટ અને ફૂડ

(૨૩) (૧૬૫) ક્રિસ્ટિના ઔંગ અને ફેમિલી                            ૧.૦ બિલિ.                                       રિટેઈલિંગ અને હોટેલ્સ

(૨૪) (૨૧૭) યાન હુઓ                                             ૭૪૮ મિલિયન                                         હેજ ફંડ

(૨૫) (૨૩૮) જટાણિઆ બ્રધર્સ                                       ૬૪૮ મિલિયન                                    ટોઈલેટરીઝ, પ્રોપર્ટી અને ફેશન

(૨૬) (૨૪૪) લોર્ડ ચૌધરી અને પરિવાર                             ૬૩૩ મિલિયન                                     કેશ એન્ડ કેરી, ફાર્મસીઝ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter