લંડનઃ ઓસ્બોર્નના બજેટના પગલે સન્ડે ટ્રેડિંગના નિયમોમાં ઉદાર ફેરફાર કરાય તો સેન્ટ્રલ લંડનની શોપ્સ દ્વારા વધુ ૨,૦૦૦ નોકરીઓના સર્જનની બાંયધરી આપવામાં આવી છે. બિઝનેસ એસોસિયેશન ન્યુ વેસ્ટ એન્ડ કંપની (NWEC)એ જણાવ્યા અનુસાર સન્ડે ટ્રેડિંગ નિયંત્રણો બે કલાક સુધી હળવા કરાય તો વેસ્ટ એન્ડના ધંધામાં વર્ષે £૨૬૦ મિલિયન જેટલી વૃદ્ધિ થશે. જોકે, સુપરમાર્કેટ્સ માટેના અંકુશ હળવાં કરાય તો નાના દુકાનદારો નુકસાનમાં જશે. આ દુકાનદારોમાં મુખ્યત્વે એશિયન અને ખાસ કરીને ગુજરાતી માલિકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, હાઈ સ્ટ્રીટ્સને પ્રોત્સાહન અને બ્રિટિશ પરિવારો માટે ખરીદીબિલ ઘટાડવા માટે સન્ડે ટ્રેડિંગ નિયમોને સમર્થન આપવા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
મસલતો માટે જાહેર યોજના અનુસાર બ્રિટનની હાઈ સ્ટ્રીટ્સને નવજીવન આપવાના પ્રયાસમાં મોટાં સુપરમાર્કેટ્સને લાંબો સમય ખુલ્લાં રહેતાં અટકાવવા સ્થાનિક ઓથોરિટીઝને સત્તા આપવામાં આવશે. શહેર બહારની વિશાળ દુકાનો કરતા ટાઉનના કેન્દ્રમાં રહેલાં સ્ટોર્સને મદદ કરવા કાઉન્સિલો આવી સત્તાનો ઉપયોગ કરે તેને સરકાર ઉત્તેજન આપશે. ટાઉનના કયા વિસ્તારની દુકાનો રવિવારે લાંબો સમય વેપાર કરી શકશે તેનો નિર્ણય મેયર અને કાઉન્સિલ હસ્તક રહેશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સન્ડે ટ્રેડિંગનો સમયગાળો વધારવાનો વિરોધ કરે છે. ચર્ચ કહે છે કે રવિવારને પારિવારિક સ્થિરતા અને કોમ્યુનિટી જીવન માટે જાળવવો જોઈએ.
દરમિયાન, મિનિસ્ટરોએ ચર્ચને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે, સંશોધન અનુસાર વેપારધંધાને વધુ કલાક ખુલ્લાં રાખવાથી સ્ટોર્સની નફાક્ષમતા વધશે અને તેનો સીધો લાભ પરિવારોના ખરીદીબિલ્સમાં વર્ષે £૬૪ સુધીનો લાભ પણ જોવાં મળશે. સન્ડે ટ્રેડિંગ નિયંત્રણો હળવાં કરાય તો અર્કાડિઆ, હેરોડ્ઝ, હાર્વી નિકોલસ અને સેલ્ફ્રિજ્સ ગ્રૂપ સહિતના ટોપ રીટેઈલરોએ વધુ ૨,૦૦૦ નોકરીઓ ઉભી કરવાની ખાતરી ઉચ્ચારી છે. હાલ, વેસ્ટ એન્ડમાં ૬૫,૦૦૦ જેટલા રીટેઈલ વર્કર્સ છે.
અત્યારે સૌથી નાના પ્રીમાઈસીસ સિવાયની તમામ દુકાનો રવિવારે છ કલાક કરતા વધુ સમય ખુલ્લી રાખી શકાતી નથી. ૩,૦૦૦ ચોરસ ફીટથી નાની દુકાનો અને ખાસ કરીને કન્વિનન્સ સ્ટોર્સ અને નાના સ્વતંત્ર દુકાનો વધુ લાંબો સમય ખુલ્લી રહે છે. દુકાનદારો ઓનલાઈન વેચાણની સ્પર્ધાનો પણ સામનો કરી રહ્યાં છે. એક દાયકા અગાઉ તમામ વેચાણમાં ઓનલાઈન વેચાણનો હિસ્સો ૨.૮ ટકા હતો, જે વધીને હાલ ૧૧.૫ ટકાથી વધુ છે. સરકારની ગણતરી છે કે સન્ડે ટ્રેડિંગ નિયમો હળવાં કરવાથી અર્થતંત્રને વર્ષે £૧.૪ બિલિયનનો લાભ થશે અને લોકો દ્વારા ખર્ચાતી રકમમાં ૧૨.૫ ટકાની વૃદ્ધિ થશે.