લંડનઃ સોશિયલ મીડિયા ટિપ્પણીઓને કારણે પોતાનું ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) સન્માન ગુમાવ્યા બાદ લોર્ડ રેમી રેન્જરે વડાપ્રધાન સ્ટાર્મર સામે કાનૂની મોરચો માંડ્યો છે. આ નિર્ણયને અયોગ્ય ગણાવતા તેમણે દલીલ કરી છે કે આનાથી મુક્ત અભિવ્યક્તિ અને ‘કેન્સલ કલ્ચર’ અંગે વ્યાપક ચિંતાઓ ઊભી થાય છે.
કન્ઝર્વેટિવ પક્ષના લોર્ડ રેન્જર દ્વારા લેવાયેલા કાનૂની પગલાંએ દેશમાં અભિવ્યક્તિની આઝાદી અને વૈચારિક અસહિષ્ણુતા અંગેની ચર્ચાને ફરી ગરમ કરી દીધી છે. સન માર્ક કંપનીના સ્થાપક લોર્ડ રેન્જરનો દાવો છે કે સરકારી સમિતિ દ્વારા સન્માન રદ કરવાનો આ નિર્ણય પડદા પાછળ ચાલતા ‘કેન્સલ કલ્ચર’નો પુરાવો છે અને તેઓ પોતે આ પ્રથાનો શિકાર બન્યા છે. તેના કારણે તેઓ ભારે ક્ષોભ અને માનસિક આઘાતમાં સરી પડ્યા હતા.
લોર્ડ રેન્જરની દલીલ છે કે જે ટિપ્પણીઓને કારણે તેમનું સન્માન પાછું ખેંચાયું, તે ઉગ્ર રાજકીય ચર્ચા અથવા વ્યક્તિગત વિવાદો દરમિયાન કરવામાં આવી હતી અને તે માત્ર અભિપ્રાયની કાયદેસરની અભિવ્યક્તિ હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિવાદાસ્પદ વિચારો વ્યક્ત કરવા બદલ જાહેરમાં સન્માન છીનવી લેવાની આ પ્રથા અન્ય જાહેર વ્યક્તિઓને પણ પોતાના મનની વાત મુક્તપણે રજૂ કરતા અટકાવશે. યુનાઇટેડ કિંગડમમાં અભિવ્યક્તિની આઝાદી સર્વોપરી છે. જો આ આઝાદી સાથે બાંધછોડ થશે તો લોકશાહી અને કાયદાનું શાસન પણ જોખમાશે. શું હવે એવી અપેક્ષા રાખવામાં આવશે કે આપણે હંમેશા શાસકોને અનુકૂળ ભાષામાં જ બોલીએ?"આ સમગ્ર વિવાદ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે.
લોર્ડ રેન્જરના સમર્થનમાં આવતા ‘ફ્રી સ્પીચ યુનિયન’ના સ્થાપક લોર્ડ યંગ ઓફ એક્ટને જણાવ્યું હતું કે, કાયદેસરની ટિપ્પણીઓ બદલ કોઈ વ્યક્તિનું CBE સન્માન આટલી નિર્દયતાથી છીનવી લેવું તે સ્વીકારી શકાય નહીં.
લોર્ડ રેન્જરના વકીલોની દલીલ છે કે હાઈકોર્ટનો આ કેસ એ બાબતની સમીક્ષા કરશે કે સરકાર પાસે અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ કરવાના બદલે કોઈ વ્યક્તિને આ પ્રકારે ‘કેન્સલ’ કરવાની કેટલી સત્તા છે. તેમના મતે સન્માન રદ કરવાનો નિર્ણય અપ્રમાણસર, અવિશ્વસનીય માહિતી પર આધારિત અને સમિતિની કાનૂની સત્તા બહારનો છે.
લોર્ડ રેન્જર એકમાત્ર એવી વ્યક્તિ નથી જે આ સરકારી સમિતિના અભિગમને પડકારી રહ્યા છે. હિન્દુ કાઉન્સિલના સ્થાપક સભ્ય અનિલ ભનોટે પણ ડિસેમ્બર 2024માં પોતાનું ‘OBE’ સન્માન ગુમાવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ સંદર્ભે સોશિયલ મીડિયા પર કરાયેલી પોસ્ટ્સ બાદ તેમનું સન્માન રદ કરાયું હતું.
લોર્ડ યંગે વ્હાઇટહોલની આ સમિતિની આકરી ટીકા કરતા તેને પડદા પાછળ કામ કરતી સમિતિ ગણાવી હતી, જે સ્થાપિત હિતોના એજન્ડાને લાગુ કરવા માટે કાયદેસરના વિચારો વ્યક્ત કરનારાઓના સન્માન નિર્દયતાથી છીનવી રહી છે.


