લંડનઃ યુકેમાં પહેલી સપ્ટેમ્બર ૨૦૨૧થી નવા E10 પેટ્રોલ ફ્યૂલનો ઉપયોગ શરૂ કરી દેવાશે જેના પરિણામે ૯૩૫,૦૦૦ કાર તેના ઉપયોગ માટે લગભગ નકામી બની જશે. જે ચાલકો પાસે ૨૦૧૧ પછી ઉત્પાદિત કાર કે વાહન હશે તેના માટે કોઈ જોખમ રહેશે નહિ.
હાલ યુકેમાં E5 એટલે કે પાંચ ટકા બાયોઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપયોગમાં લેવાય છે અને પહેલી સપ્ટેમ્બરથી E10 એટલે કે ૧૦ ટકા બાયોઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ફ્યૂલનો વપરાશ શરૂ કરાશે. માર્ગો પર દોડતાં લગભગ પાંચ ટકા વાહનો દેશભરમાં ફોરકોર્ટ્સ અથવા ગેરેજીસમાં ફ્યૂલ પૂરાવી શકશે નહિ. RACના પ્રાથમિક ડેટા અનુસાર ૯૩૫,૦૦૦ નવાં E10 પેટ્રોલ ફ્યૂલ પર ચાલી શકશે નહિ. તમારું વાહન નવા ફ્યૂલ પર ચાલી શકશે કે નહિ તેની માહિતી યુરોપિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન અને યુરોપિયન એસોસિયેશન ઓફ મોટરસાઈકલ મેન્યુફેક્ચરર્સ મારફત સરકારી વેબસાઈટ પર મેળવી શકાશે પરંતુ, આ માહિતીના કારણે વાહનને કોઈ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી વેબસાઈટની નહિ રહે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.