લંડનઃ સપ્ટેમ્બર ૨૦૨૦થી ઘરમાં વધારા તેમજ ઘરને વધુ હરિયાળા બનાવવા સહિત નવા છ કાયદા અમલમાં આવ્યા છે. ચાન્સેલર સુનાકે સપ્ટેમ્બરથી ફર્લો સ્કીમમાં ફેરફારો પણ જાહેર કર્યા છે તેમજ હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે પણ કેટલીક જાહેરાતો કરી છે. કોરોના વાઈરસ લોકડાઉન પછી અર્થતંત્રને ગતિ આપવા કેટલાક સેક્ટર્સને ફરી ખુલ્લાં મૂકાયાં છે અને વર્કર્સને ઘરમાંથી કામકાજ બંધ કરી ઓફિસે મોકલવાના અભિયાન પર જોર અપાઈ રહ્યું છે.
• હોમ એક્સ્ટેન્શન્સઃ વપરાશમાં ન હોય તેવી ઈમારતોને તોડી નવેસરથી નિર્માણ કરી ઘર, કોમર્શિયલ અને રીટેઈલ પ્રોપર્ટી તરીકે ઉપયોગમાં લેવા સંપૂર્ણ પ્લાનિંગ એપ્લિકેશનની જરુર રહેશે નહિ. આના પરિણામે ટાઉન સેન્ટર્સ અને હાઈ સ્ટ્રીટ્સમાં નવા બિઝનેસીસ માટે વધુ સ્પેસ મળી શકશે. મકાનમાલિકો તેમના ઘરની નવરચના કરવા અથવા બાળકો અને વડીલો સાથે વધતા પરિવારની જરુરિયાતોને પરિપૂર્ણ કરવા ફાસ્ટ ટ્રેક એપ્રુવલ પ્રોસેસ સાથે વધારાના બે માળનું બાંધકામ કરી શકશે. જોકે, આમાં એક્સ્ટેન્શનના દેખાવ તેમજ પડોશીઓ પર થનારી અસરને ધ્યાનમાં લેવાશે.
• ગ્રીન હોમ ગ્રાન્ટ્સઃ સરકાર પરિવાર-ઘર દીઠ સુધારાવધારાના ખર્ચના બે તૃતીઆંશ ખર્ચને આવરી લેવા ૫,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપશે. જોકે, કેટલાક ઓછી આવક સાથેના પરિવારોને સુધારાવધારાનો સંપૂર્ણ ખર્ચને આવરી લેવા ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપી શકાશે. તમે એનર્જી એફિશીઅન્ટ હીટિંગ કન્ટ્રોલ્સના ડબલ કે ટ્રિપલ ગ્લેઝિંગ, ઈન્સ્યુલેશન અથવા લો કાર્બન હીટિંગનું ઈન્સ્ટોલેશન કરાવી શકશો. જોકે, આ માટેના વાઉચરનો ઉપયોગ પ્રોપર્ટીમાં હાલ વપરાશમાં હોય તેને બદલવાના ખર્ચમાં કરી શકાશે નહિ. સપ્ટેમ્બરથી મકાનમાલિકો અને લેન્ડલોર્ડ્સ તેમના ઘરને વધુ ઊર્જાસક્ષમ બનાવવા વાઉચર માટે અરજી કરી શકે છે.
• ફર્લો યોજનામાં ફેરફારોઃ સરકાર સપ્ટેમ્બર મહિનામાં ફર્લો પર રખાયેલા કર્મચારી દીઠ તેમના વેતનના ૭૦ ટકા સુધી અને મહત્તમ ૨,૧૮૭.૫૦ પાઉન્ડની રકમ ચૂકવશે. એમ્પ્લોયર્સે નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન ફાળાની ચૂકવણી કરવાની રહેશે. કર્મચારીને તેના વેતનના ૮૦ ટકા અને મહત્તમ ૨,૫૦૦ પાઉન્ડ મળી રહે તે માટે ઉપરની રકમ ચૂકવવાની રહેશે.
ઓક્ટોબર ફર્લો સ્કીમ માટે છેલ્લો મહિનો રહેશે. આ ગાળામાં સરકાર કર્મચારી જેટલા કલાક ફર્લો પર રખાયા હોય તેના વેતનના ૬૦ ટકા સુધી અને મહત્તમ ૧,૮૭૫ પાઉન્ડની રકમ ચૂકવશે. એમ્પ્લોયર્સે નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન ફાળાની ચૂકવણી કરવાની રહેશે તેમજ કર્મચારીને તેના વેતનના ૮૦ ટકા અને મહત્તમ ૨,૫૦૦ પાઉન્ડ મળી રહે તેની ચોકસાઈ માટે ઉપરની રકમ પણ ચૂકવવાની રહેશે
• ભાડૂતોને ઘર ખાલી કરાવવા સામે પ્રતિબંધઃ હજારો ભાડૂતો ઘરવિહોણા બની જવાની ચેતવણીના પગલે સરકારે એવિક્શન પરનો પ્રતિબંધ ચાર સપ્તાહ માટે લંબાવ્યો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રતિબંધ આગામી સપ્તાહે પૂર્ણ થઈ રહ્યો છે. ચેરિટીઝના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસ રોગચાળાથી અસર પામેલા ભાડૂતોને ઘર ખાલી કરાવવા સામે આપમેળે અટકાવની સત્તા જજીસને ન અપાય તો ક્રિસમસના ગાળામાં હજારો લોકો ઘરવિહોણા થઈ જશે. માસ્ટર ઓફ રોલ્સ સર ટેરેન્સ એથરટનના જણાવ્યા અનુસાર એવિક્શન પ્રતિબંધ ૨૦ સપ્ટેમ્બર સુધીનો છે.
• બાળકો માટે ફેસ માસ્કનું માર્ગદર્શનઃ ઈંગ્લેન્ડની શાળાઓમાં ફેસ માસ્ક સંદર્ભે સરકારે વધુ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. લોકલ લોકડાઉન એરિયામાં કોમ્યુનલ એરિયા અને કોરિડોર્સમાં ફરતી વેળાએ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક પહેરવાનો રહેશે. વિદ્યાર્થી કે સ્ટાફના ફેસ માસ્ક ખરાબ થાય કે અસુરક્ષિત બને તેને ધ્યાનમાં લઈ શાળાએ તાકીદના સપ્લાયની વ્યવસ્તા રાખવી પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની જાળવણી શક્ય ન હોય ત્યાં શાળાએ ફેસ માસ્કનો નિર્ણય લેવાનો રહેશે. શારીરિક, માનસિક અક્ષમતા કે ખામીના કારણે માસ્ક પહેરવા કે કાઢવાની મુશ્કેલી રહે તેમજ લિપ રીડિંગ, સ્પષ્ટ અવાજ કે કોમ્યુનિકેશન માટે ચહેરાના હાવભાવ જરુરી હોય તેમને અને તેમના સહાયકોને માસ્કના નિયમોમાં અપવાદ રખાયા છે.
• ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજના બંધઃ ચાન્સેલર સુનાકે ઓગસ્ટ મહિનાના સોમવાર, મંગળવાર અને બુધવારે રેસ્ટોરાં, પબ્સ અને કાફેઝમાં ભોજન કરવા બદલ ૫૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા જાહેર કરેલી યોજના પહેલી સપ્ટેમ્બરથી બંધ કરી છે. કોરોના લોકડાઉનના કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને મંદીમાંથી બહાર કાઢવા ચાન્સેલરે આ નવતર યોજના જાહેર કરી હતી જેને ભારે પ્રતિસાદ મળ્યો હતો.