લંડનઃ રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલમાં રાખવાની સરકારની નીતિના વિરોધમાં સપ્તાહાંતમાં સમગ્ર દેશમાં શહેરો અને ટાઉનમાં વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. અસાયલમ વિરોધી દેખાવકારો સામે એન્ટી રેસિઝમ એક્ટિવિસ્ટ પણ મેદાનમાં ઉતર્યાં હતાં જેના કારણે બંને જૂથો વચ્ચે ઘણા સ્થળે ટકરાવ અને સંઘર્ષની સ્થિતિ સર્જાઇ હતી. પોલીસે કાર્યવાહી કરીને બંને જૂથોને અલગ કર્યાં હતાં.
સપ્તાહાંતમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના બ્રિસ્ટોલ, લીવરપુલ, લંડન, મોલ્ડ, પર્થ, નનીટોન, વેકફિલ્ડ, ન્યૂકેસલ, હોર્લી, કેનેરી વ્હાર્ફ અને કાઉન્ટી એન્ટ્રીમ સહિતના શહેરોમાં અસાયલમ હોટલોની સામે દેખાવો યોજાયાં હતાં. બ્રિસ્ટોલમાં એન્ટી માઇગ્રન્ટ અને એન્ટી રેસિઝમ દેખાવકારો વચ્ચે સંઘર્ષ થતાં પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. લીવરપુલમાં પણ સેંકડો લોકોએ સામસામા દેખાવ કર્યાં હતાં. પોલીસે વિવિધ ગુનાસર 11 લોકોની ધરપકડ કરી હતી. એક મહિલાની ઇમર્જન્સી વર્કર પર હુમલાના આરોપસર ધરપકડ કરાઇ હતી. એવન અને સમરસેટ પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક પોલીસ અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો.
પર્થમાં અસાયલમ હોટેલ રેડિસનની બહાર દેખાવો કરાયાં હતાં. દેખાવકારોએ અહીં માઇગ્રન્ટ્સને હાંકી કાઢવાની માગ કરી હતી. તેમની સામે વિરોધ કરવા 200થી વધુ એન્ટી રેસિઝમ સમર્થકો પણ ઉમટી પડ્યાં હતાં. માન્ચેસ્ટર, બર્મિંગહામ, ડડલી, નોર્વિચ, એપિંગ અને લંડનમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. જોકે પ્રદર્શનો દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના નોંધાઇ નહોતી.


