લંડનઃ ૧૨૦થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સે પોતાનું વર્ગીકરણ વર્કર તરીકે કરવાની દલીલ સાથે પોસ્ટ ઓફિસ વિરુદ્ધ એમ્પ્લોયમેન્ટ કાનૂની દાવો દાખલ કર્યો છે. તેમણે પેઈડ હોલીડે, પેન્શનના અધિકારો અને બીમારીના પગારના અધિકારો હોવાનું પણ જણાવ્યું છે. આ હાઈ પ્રોફાઈલ કેસની સુનાવણી આ મહિનાના ઉત્તરાર્ધમાં સેન્ટ્રલ લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ કરવામાં આવનાર છે.
સબ-પોસ્ટમાસ્ટર્સે વર્કર તરીકેના વર્ગીકરણ માટે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કાનૂની દાવો કર્યો છે. આ કાનૂની દાવાની વ્યાપક અસરો ઉભી થશે. જો આ દાવો સફળ થશે તો માત્ર ૧૨૦ સબ-પોસ્ટમાસ્ટર્સને જ નહિ દેશભરના ૮૫૦૦થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સને પણ તેની અસર થશે. ફ્રોડ અને ખોટા હિસાબો બદલ ક્રિમિનલ કાર્યવાહી કરાયેલા સબ-પોસ્ટમાર્ટર્સને થયેલા અન્યાય બદલ પોસ્ટ ઓફિસે ભારે વળતર આપવાનું થયું છે ત્યારે નવો દાવો મલ્ટિ મિલિયન પાઉન્ડનું બિલ ઉભુ કરી શકે છે.
પોસ્ટ ઓફિસનું કહેવું છે કે સબ-પોસ્ટમાસ્ટર્સ સેલ્ફ એમ્પ્લોઈડ-સ્વરોજગારી છે પરંતુ, સબ-પોસ્ટમાસ્ટર્સનો દાવો છે કે તેઓ પોસ્ટ ઓફિસ પર આધારિત કોન્ટ્રાક્ટર્સ છે અને પોસ્ટ ઓફિસ તેમની કામગીરી પર નોંધપાત્ર અંકુશ ધરાવે છે. યુકે એમ્પ્લોયમેન્ટના બે વર્ગીકરણ – કર્મચારી અને કામદાર છે. બંનેને લઘુતમ વેતન અને રજાના પગાર મળે છે પરંતુ, કર્મચારીને અન્યાયી બરતરફી બદલ કાર્યવાહી કરવા સહિતના વ્યાપક અધિકાર મલે છે જ્યારે, સેલ્ફ-એમ્પ્લોઈડ કોન્ટ્રાક્ટર્સને આવા કોઈ અધિકાર મળતા નથી. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ઉબેરના ડ્રાઈવર્સને સેલ્ફ-એમ્પ્લોઈડ નહિ પરંતુ, વર્કર ગણાવતો ચૂકાદો આપ્યો હતો.