સબસ્ક્રિપ્શન રદ કરવા અને અનિચ્છિત ઓટો-રિન્યૂઅલ્સ માટે રિફંડ મેળવવાનું સરળ બનશે

સબસ્ક્રિપ્શનની માયાજાળ પર તરાપથી સરેરાશ વ્યક્તિને પ્રતિ વર્ષ 170 પાઉન્ડની બચત થશે

Tuesday 07th April 2026 11:04 EDT
 
 

લંડનઃ સરકારે જણાવ્યું છે કે સબસ્ક્રિપ્શન રદ કરવા અને અનિચ્છિત ઓટો-રિન્યૂઅલ્સ માટે રિફંડ મેળવવાનું સરળ બનાવવા નવા કાયદા ઘડાશે. સબસ્ક્રિપ્શનની માયાજાળ પર તરાપથી સરેરાશ વ્યક્તિના પ્રતિ વર્ષ 170 પાઉન્ડની બચત કરી શકાશે.

ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે જણાવ્યું હતું કે, નવો કાયદો આવતાં ગ્રાહકોએ સબસ્ક્રિપ્શન બંધ કરાવવા માટે સંખ્યાબંધ ફોન કરવા નહીં પડે. તેમને ટ્રાયલ પીરિયડના અંતે અથવા વાર્ષિક સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યૂ થવાનું હોય ત્યારે 14 દિવસનો કૂલિંગ ઓફ પીરિયડ અપાશે. આ બદલાવ સ્પ્રિંગ 2027થી અમલમાં આવશે. ગ્રાહકો એક બટન દબાવીને તેમનું સબસ્ક્રિપ્શન રદ કરાવી શકશે.

ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, કંપનીઓએ ગ્રાહકોને ચૂપચાપ ખર્ચાળ કોન્ટ્રાક્ટમાં સામેલ થતા બચાવવા માટે પહેલેથી સ્પષ્ટ માહિતી આપવી પડશે. કંપનીઓએ વિનામૂલ્યે અથવા તો ડિસ્કાઉન્ટ સાથેની ટ્રાયલ પૂરી થવાની હોય ત્યારે રિમાઇન્ડર આપવા પડશે. કોન્ટ્રાક્ટ રિન્યૂ થવાનો હોય ત્યારે પણ રિમાઇન્ડર આપવું ફરજિયાત બનશે.

સબસ્ક્રિપ્શનના ઓટો રિન્યૂઅલ અથવા તો ફ્રી ટ્રાયલ પછી ગ્રાહક સબસ્ક્રિપ્શન રદ કરાવવાનું ભૂલી જોય તો તે સંપુર્ણ અથવા આંશિક રિફંડ પ્રાપ્ત કરી શકે તે માટે 14 દિવસનો કૂલિંગ ઓફ પીરિયડ મદદ કરશે. કાયદામાં આ બદલાવના કારણે જનતાના પ્રતિ વર્ષ 400 મિલિયન પાઉન્ડની બચત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter