લંડનઃ લંડનનાં હિથ્રો એરપોર્ટને પાવર સપ્લાય કરતા સબ સ્ટેશનમાં ભીષણ આગને કારણે એરપોર્ટ પર વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફ સહિતની તમામ કામગીરી 24 કલાક માટે બંધ કરવામાં આવી હતી. શુક્રવારે બનેલી આ ઘટનાને કારણે લંડન આવતી અને ઉપડતી અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા વિશ્વની તમામ એરલાઈન્સનું શિડ્યૂલ ખોરવાયું હતું. લંડનનાં પશ્ચિમ હિસ્સામાં આવેલા પાવર સબ સ્ટેશનમાં ભીષણ આગ લાગતાં 16,000થી વધુ મકાનોમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો.
ઓપરેશનો ઠપ થતાં એર ઈન્ડિયાની મુંબઈથી લંડન હિથ્રો જનારી ફ્લાઇટ AI 129 મુંબઈ પાછી ફરી હતી. દિલ્હીથી લંડન જનારી ફ્લાઈટ AL 161ને ફ્રેન્કફર્ટ ડાઈવર્ટ કરાઈ હતી. એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે જણાવ્યું હતું કે હિથ્રો નજીકનું પાવર સબ સ્ટેશન આગને હવાલે થઈ ગયું હતું બેક અપ માટેનું જનરેટર પણ કામ કરતું બંધ થઈ ગયું હતું. આગની જવાળાઓ બે માઈલ દૂર સુધી દેખાતી હતી. સાત કલાકે આગ કાબૂમાં આવી હતી.
સંભવિત ખતરાને ધ્યાનમાં લઈને એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા 1350થી વધુ ફલાઇટેસને ડાઇવર્ટ કરાઈ હતી. આગ નોર્થ હાઈડ સબ સ્ટેશનમાં લાગી હતી. આ સબ સ્ટેશનમાંથી મધ્ય અને દક્ષિણ ઇંગ્લેન્ડ તેમજ ઉત્તરના સ્કોટલેન્ડમાં આશરે 4 મિલિયન ઘરમાં પાવર સપ્લાય ઠપ થઈ ગયો છે.
હિથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ કરવામાં આવતા હજારો પ્રવાસીઓ અધવચ્ચે અટવાયા હતા. તેમનાં પ્રવાસનું શિડયુલ ખોરવાઈ ગયું હતું હિથ્રોનું એરપોર્ટ 24 કલાક બંધ કરવામાં આવતા જાપાન એરલાઈન્સ અને ઓલ નિપ્પોન એરવેઝ દ્વારા તેની કેટલીક ફલાઈટ્સ ટોકિયો પાછી લઈ જવાઈ હતી તો કેટલીક ફલાઈટ્સ હેલસિન્કી મોકલાઈ હતી.ઓસ્ટ્રેલિયાની ક્વોન્ટાસ દ્વારા સિંગાપુરની ફલાઈટને પાછી વળવામાં આવી હતી. તો કેટલીક ફલાઈટ પર્થથી પેરિસ લઈ જવાઈ હતી. હોંગકોગની કેથી પેસિફિક તેની બે ફલાઈટ્સ આમસ્ટર્ડેમ મોકલી હતી અને બે ફલાઈટ રદ કરી હતી.એમિરેટ્સ, એતિહાદ અને કતાર એરવેઝે તેની ફલાઈટસ રદ કરી હતી.