લંડનઃ 2022માં 19 વર્ષીય ભારતીય મૂળની ગર્લફ્રેન્ડની હત્યા કરનાર ટ્યુનિશિયનને યુકેની કોર્ટ દ્વારા અમર્યાદિત સમયનો હોસ્પિટલ ઓર્ડર અપાયો છે. સાઇકોલોજીનો અભ્યાસ કરતી સબિતા થનવાનીની 19 માર્ચ 2022ના રોજ ઇસ્ટ લંડનના ક્લર્કનવેલ ખાતેના તેના રહેણાંકમાં માહેર મારૌફ દ્વારા છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. ટ્યુનિશિયાનો નાગરિક માહેર મારૌફ સબિતા સાથે રિલેશનશિપમાં હતો. હત્યાના સમયે તે શિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર નામની માનસિક બીમારીથી પીડાતો હતો. લંડનની ઓલ્ડ બેઇલી કોર્ટના જજ નાઇજેલ લિકલીએ મારૌફને અમર્યાદિત સમયના હોસ્પિટલ ઓર્ડરની સજા ફટકારી હતી. હોસ્પિટલ ઓર્ડર અદાલત દ્વારા અપાતી સજા છે જેમાં દોષીને તેની માનસિક સ્થિતિની સમીક્ષા અથવા સારવાર માટે હોસ્પિટલમાં મોકલી અપાય છે.


