લંડનઃ આગામી બે વર્ષમાં સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બળાત્કાર અને અન્ય જાતીય ગુનાઓના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતો શરૂ કરાશે. દરેક ક્રાઉન કોર્ટમાં ઓછામાં ઓછો એક વિશિષ્ટ કોર્ટરૂમ આવા સંવેદનશીલ કેસો માટે અનામત રાખવામાં આવશે. પીડિતો માટે અલગ પ્રવેશદ્વાર, વેઇટિંગ રૂમ અને વિડીયો લિંક મારફતે અલગ રૂમમાંથી જુબાની આપવાની તેમજ કાર્યવાહી જોવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી તેમણે આરોપીઓનો સામનો ન કરવો પડે.
આ માટે ન્યાયતંત્રના સ્ટાફને પીડિતોની માનસિક સ્થિતિ સમજીને કામ કરવાની ખાસ તાલીમ અપાશે અને દરેક પીડિત માટે એક નિશ્ચિત સંપર્ક વ્યક્તિ ફાળવવામાં આવશે. આગામી મહિનાથી કેસોને અનિશ્ચિત યાદીમાં રાખવાને બદલે ટ્રાયલ માટે ચોક્કસ તારીખ આપવામાં આવશે જેથી બિનજરૂરી વિલંબ ટાળી શકાય. જસ્ટિસ મિનિસ્ટ્રીના બજેટમાંથી આ યોજના પાછળ અંદાજે 23 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવશે.


