લંડનઃ સમગ્ર દેશમાં ઓરીના કેસમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના તાજેતરના ડેટા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં ઓરીના 477 કેસ નોંધાયા છે, જે જાહેર આરોગ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે.
1 જાન્યુઆરીથી 27 એપ્રિલ દરમિયાન લેબોરેટરી દ્વારા 477 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. કુલ કેસના બે-તૃતીયાંશ કેસ 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળ્યા છે. લંડન 58 ટકા કેસ સાથે ઓરીના રોગનું એપીસેન્ટર બન્યું છે. ખાસ કરીને એનફિલ્ડમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા છે.
નિષ્ણાતોના મતે એમએમઆર રસીકરણના દરમાં થયેલો ઘટાડો રોગચાળો પુનઃ ફી નીકળવા માટે જવાબદાર છે. વર્ષ 2024 માં ઈંગ્લેન્ડમાં 2,911 કેસ નોંધાયા હતા, જે 2012 પછીનો સૌથી મોટો આંકડો હતો. આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોનું સમયસર રસીકરણ કરાવે કારણ કે આ વિક્ટોરિયન યુગનો રોગ ફરીથી પગપેસારો કરી રહ્યો છે.


