લંડનઃ રાતા સમુદ્રમાં હૂથી આતંકવાદીઓ દ્વારા વ્યાપારિક જહાજો પર કરાતા હુમલાના કારણે બ્રિટનમાં ચ્હાની અછત સર્જાવાની સંભાવના છે. બ્રિટિશ જીવનમાં ચ્હા મહત્વનો હિસ્સો છે અને એક સમય એવો હતો કે બ્રિટિશ સરકાર સમગ્ર વિશ્વની ચ્હા ખરીદી લેતી હતી. ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે રાતા સમુદ્રમાં કાર્ગો જહાજો પર હૂથી આતંકવાદીઓના હુમલાના કારણે બ્લેક ટીના પૂરવઠાની રાષ્ટ્રવ્યાપી અછત સર્જાઇ શકે છે.
સેન્ડ્સબરીએ જણાવ્યું હતું કે, ચ્હાના પૂરવઠામાં અવરોધ સર્જાઇ રહ્યો છે. તેના કારણે બ્લેક ટીની સમગ્ર દેશમાં અછત સર્જાવાના એંધાણ છે. અસુવિધા માટે અમે ગ્રાહકોની માફી માગીએ છીએ. ટૂંકસમયમાં અમે પૂરવઠો યથાવત કરવાના પ્રયાસ કરીશું. જોકે રિટેલ કંપનીઓનું કહેવું છે કે આ અછત હંગામી રહેશે અને ચ્હાના રસિયાઓ પર તેની અસર ઓછી રહેશે. જોકે સપ્લાય ચેઇનના નિષ્ણાતો કહે છે કે અછતના કારણે ચ્હાની કિંમતમાં વધારો થઇ શકે છે.

