સમગ્ર યુકેના હિતમાં હશે તો જ ભારત સાથે વેપાર કરાર થશેઃ રિશી સુનાક

આપણે યુકે અને ભારત વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનાવવાની છેઃ વડાપ્રધાન

Tuesday 12th September 2023 12:06 EDT
 

લંડનઃ નવી દિલ્હીમાં જી-20 વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેવા જતાં પહેલાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ભારત સાથે મુક્ત વેપાર કરાર પરની મંત્રણા આગળ વધી રહી છે પરંતુ સમગ્ર યુનાઇટેડ કિંગડમના હિતમાં હશે તો જ બ્રિટન મુક્ત વેપાર કરાર માટે સહમત થશે. વડાપ્રધાને તેમની કેબિનેટને મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી મંત્રણાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વેપાર કરાર પરની મંત્રણાઓ આગળ વધી રહી છે. ભારત યુકેનો અવગણી ન શકાય તેવો ભાગીદાર દેશ છે. આપણે યુકે અને ભારતની ભાગીદારી વધુ મજબૂત બનાવવાની છે.

તાજેતરમાં ભારતની મુલાકાતથી પરત આવેલા બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોકે કેબિનેટને મંત્રણા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત યુકેના સૌથી મોટા વેપાર ભાગીદાર દેશો પૈકીનો એક છે. ભારત અને યુકે વચ્ચે પ્રતિ વર્ષ 36 બિલિયન પાઉન્ડનો વેપાર થાય છે.

વેપાર કરાર માટે ઇમિગ્રેશન નીતિમાં બદલાવ નહીં થાયઃ સુનાકના પ્રવક્તા

ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા માટે બ્રિટન નેટ માઇગ્રેશન ઘટાડવા અંગેના પોતાના વલણમાં કોઇ બદલાવ કરવા તૈયાર નથી. યુકેના વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન માને છે કે માઇગ્રેશન હાલના સ્તરે ઘણું ઊંચુ છે. ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા માટે ઇમિગ્રેશન પોલિસીમાં બદલાવ કરવાની બ્રિટનની કોઇ યોજના નથી. આ કરાર અંતર્ગત ભારત ભારતીય વિદ્યાર્થીઓને વધુ વિઝા ફાળવાય તેવું દબાણ કરી રહ્યો છે.

હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા સામે બ્રેવરમેનનો ઉગ્ર વિરોધ

મુક્ત વેપાર કરાર અંતર્ગત હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાની વડાપ્રધાન રિશી સુનાકની યોજનાનો હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ઉગ્ર વિરોધ કર્યો છે. કેબિનેટની બેઠકમાં બ્રેવરમેને વડાપ્રધાનને જણાવ્યું હતું કે, ગયા વર્ષમાં જ યુકેમાં 12 લાખ માઇગ્રન્ટ્સ આવી ચૂક્યાં છે અને હવે હું વધુ માઇગ્રન્ટ્સ લાવવા ઇચ્છતી નથી. વડાપ્રધાને બ્રેવરમેનની ચિંતાઓ ગંભીરતાથી સાંભળી હતી અને તેની સાથે સહમત પણ થયા હતા. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે પણ માઇગ્રન્ટ્સની વધી રહેલી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter