લંડનઃ એનર્જી સપ્લાયરોને અદાલત દ્વારા ગ્રાહકોને અબજો પાઉન્ડ રિફંડ પેટે પરત કરવાનો આદેશ અપાશે તો સમગ્ર યુકેના પરિવારોના એનર્જી બિલમાં સેંકડો પાઉન્ડનો વધારો થશે તેવી ચેતવણી એનર્જી ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓએ ઉચ્ચારી છે. સંભાવના છે કે એનર્જી સપ્લાયરોને અદાલતો દ્વારા ગ્રાહકોને રિફંડ પેટે અબજો પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાઇ શકે છે. વર્ષ 2000માં સ્પર્ધાત્મક માર્કેટને ખુલ્લું મૂકાયા બાદ કરાયેલા લાંબા ગાળાના કરાર મુદ્દે સમગ્ર દેશના સેંકડો નાના વેપાર-ધંધાએ બ્રિટિશ ગેસ, શેલ, ઇડીએફ અને સ્કોટિશ પાવર સહિતની કંપનીઓ સામે વકીલો રોક્યા છે.
એનર્જી ઇન્ડસ્ટ્રીના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, જો આ કાયદાકીય પગલાંનો ચુકાદો એનર્જી કંપનીઓની વિરુદ્ધ આવશે તો વેપાર ધંધા દ્વારા એનર્જી સપ્લાયરો પર પીપીઆઇ સ્ટાઇલના દાવા કરાશે જે એનર્જી ઇન્ડસ્ટ્રી માટે અસ્તિત્વનો સવાલ બની રહેશે. તેના કારણે ગ્રાહકોના બિલમાં સેંકડો પાઉન્ડનો વધારો થઇ શકે છે.
સૂત્રના જણાવ્યા અનુસાર 30 એનર્જી સપ્લાયર કંપનીઓ હાલમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જે દર્શાવે છે કે કંપનીઓ કેટલા ઓછા માર્જિન પર કામ કરી રહી છે.


