લંડનઃ કોરોના વાઈરસ મહામારી દરમિયાન બ્રેન્ટ સેન્ટ્રલના તમામ કર્મચારીઓ પૈકી અડધા જેટલા કર્મચારીઓને ફર્લો પર રખાયા હતા. સમગ્ર યુકેમાં આ સંખ્યા સૌથી વધુ છે. બ્રેન્ટ સેન્ટ્રલની ૫૫,૦૦૦ની વસ્તીમાં૨૩,૫૦૦ લોકોએ સરકારની ફર્લો સ્કીમમાં અરજી કરી હતી. બ્રેન્ટ નોર્થમાં ૭૬,૦૦૦ કર્મચારી પૈકી ૨૦,૪૦૦ને અસર થઈ હતી. લોકડાઉનની શરૂઆતમાં ૨૩મી માર્ચે ફર્લો સ્કીમ અમલી બનાવવામાં આવી હતી.
ગયા મહિને ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું હતું કે આ યોજનાને આગામી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવશે. ફર્લો પર ઉતારી દેવાયેલા સમગ્ર યુકેના કર્મચારીઓને તેમના હાલના પગારની ૮૦ ટકા રકમ ચૂકવાય છે. જોકે, તેની મર્યાદા ૨,૫૦૦ પાઉન્ડ રખાઈ છે. સરકારે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાથી કર્મચારીઓેને કામ પર પાછા લેવાની અને અર્થતંત્રને વેગ આપવા માટે નવી છૂટછાટ અમલી બનાવાશે.
બ્રેન્ટ કાઉન્સિલના સાંસદ ડોન બટલરે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સાથે સંકળાયેલી તમામ બાબતોથી તેઓ ચિંતિત છે કારણ કે તેની બ્રેન્ટ કાઉન્સિલમાંના તેમના મતવિસ્તારના રહીશો પર અપ્રમાણસર અસર પડે છે. તેમાંના ઘણાં આર્ટ્સ, લેઝર અને રિટેઈલ જેવા સંવેદનશીલ સેક્ટરોમાં ફરજ બજાવે છે.
ગત ૧૫ જૂને બિનઆવશ્યક ચિજવસ્તુઓની શોપ્સ ફરી શરૂ થઈ હતી. શનિવાર ૪ જુલાઈથી રેસ્ટોરાં, કાફે, બાર અને પબ ફરી શરૂ થયા છે. આ ઉપરાંત, હેર સલુન, ધાર્મિક સ્થળો, લાઈબ્રેરી, કોમ્યુનિટી સેન્ટરો, સિનેમા થિયેટરો અને કોન્સર્ટ હોલ ફરી શરૂ થયા હતા.