લંડનઃ સમગ્ર ઇંગ્લેન્ડના શહેરો અને નગરોમાં કટ્ટર જમણેરી વિરોધી હજારો લોકોએ 7 ઓગસ્ટ બુધવારની રાત્રે સડકો પર ઉતરી દર્શાવી દીધું હતું કે દેશમાં વંશીય ભેદભાવને કોઇ સ્થાન નથી. ફાર રાઇટ ઠગો દ્વારા સમગ્ર દેશમાં 100થી વધુ રેલીઓનું આયોજન બુધવારે કરાયું હતું પરંતુ 25,000 કરતાં વધુ શાંતિચાહક લોકોએ સડકો પર આવીને ફાર રાઇટ્સની બોલતી બંધ કરી દીધી છે. વાલ્થમસ્ટો, ફિન્ચલી, બર્મિંગહામ, ન્યૂકેસલ, બ્લેકપૂલ જેવા સ્થળોએ ફાર રાઇટ્સ દ્વારા આયોજિત લગભગ 100 રેલીઓનું સૂસસૂરિયું થઇ ગયું હતું.
લંડનમાં વાલ્થમસ્ટો ખાતે 5000 કરતાં વધુ લોકોએ ટોમી રોબિનસન વિરોધી અને નિરાશ્રીતોને આવકારના સમર્થનમાં બેનરો દર્શાવીને શાંતિપૂર્ણ દેખાવો કર્યાં હતા. બ્રેન્ટફોર્ડમાં ઇમિગ્રેશન એડવાઇઝ સેન્ટર અને હેકનીમાં જૂના ફાયર સ્ટેશન ખાતે પણ સેંકડોની સંખ્યામાં ફાર રાઇટ્સ વિરોધી લોકોએ પ્રદર્શન કર્યાં હતાં. બર્મિંગહામ, શેફિલ્ડ, લીવરપૂલ, ન્યૂકેસલ, બ્રિસ્ટોલ અને બ્રાઇટોનમાં પણ જમણેરી વિરોધી દેખાવોમાં સેંકડો લોકો ઉમટી પડ્યાં હતાં.
ચેરિટી સ્ટેન્ડ અપ ટુ રેસિઝમે જણાવ્યું હતું કે, બુધવારે હિંસા અને રેસિઝમ વિરુદ્ધ દેખાવોમાં અંદાજિત 25,000 લોકો સડકો પર આવ્યાં હતાં. સાઉધમ્પટનમાં 50 જેટલાં જમણેરી દેખાવો કરી રહ્યાં હતાં પરંતુ તેમની સામે 400થી વધુ શાંતિચાહકોએ દેખાવો કરીને તેમની બોલતી બંધ કરી દીધી હતી. તેમણે ફાર રાઇટ્સને જણાવ્યું હતું કે, તમારા કરતાં અમારું સંખ્યાબળ ઘણું વધુ છે.
10 ઓગસ્ટ શનિવારના રોજ ફરી એકવાર એન્ટી રેસિઝમ એક્ટિવિસ્ટોએ દેશના 50 કરતાં વધુ શહેરો અને નગરોમાં સડકો પર ઉતરીને હિંસા તથા રમખાણો સામે વિરોધ નોંધાવ્યો હતો. લંડન, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, ઓક્સફર્ડ, હલ અને ગ્લાસ્ગોમાં સેંકડો પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યાં હતાં. બેલફાસ્ટમાં 15,000થી વધુ લોકોએ દેખાવોમાં ભાગ લીધો હતો.
લંડનમાં હજારો એન્ટી રેસિઝમ દેખાવકારો રિફોર્મ યુકે પાર્ટીના મુખ્યમથક સામે એકઠાં થયાં હતાં. ઇવેન્ટના આયોજકોએ પાર્ટીના નેતા નાઇજલ ફરાજ પર ભયજનક નિવેદનો અને ઉશ્કેરણીનો આરોપ મૂક્યો હતો. સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ ઇવેન્ટમાં 5000થી વધુ લોકોએ મધ્ય લંડનમાં ટ્રાફલગર સ્ક્વેર તરફ કૂચ કરી હતી અને એક્ટિવિસ્ટો દ્વારા રેલીને સંબોધન કરાયું હતું. સમીરા અલીએ નાઇજલ ફરાજ પર ઇસ્લામ વિરોધી ધિક્કાર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.
બીજીતરફ ફાર રાઇટ્સ દેખાવકારો હવે લઘુમતીમાં મૂકાઇ ગયાં છે. ન્યૂકેસલમાં ફક્ત 60 ફાર રાઇટ્સ એકઠાં થયાં હતાં પરંતુ સામે સેંકડોની સંખ્યામાં એન્ટી રેસિઝમ એક્ટિવિસ્ટોએ ફાર રાઇટ્સના દેખાવોનું સૂરસૂરિયું કરી દીધું હતું. સ્કોટલેન્ડમાં પણ ગ્લાસગોમાં જ્યોર્જ સ્ક્વેર ખાતે સેંકડો લોકોએ એકઠાં થઇ ફાર રાઇટ્સની વિરુદ્ધ દેખાવ કર્યા હતા.


