ગ્લાસગોઃ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું છે કે આગામી થોડાં સપ્તાહોમાં સમગ્ર સ્કોટલેન્ડમાં કોરોના વાઈરસ લોકડાઉન નિયંત્રણોની શક્યતા નકારી શકાય નહિ. તેમણે ૨ નવેમ્બર સોમવારે સવારના છ વાગ્યાથી અમલમાં આવે તે રીતે પાંચ સ્તરના સ્થાનિક લોકડાઉન નિયમોની જાહેરાત કરી હતી.
સ્કોટલેન્ડનો કોઈ વિસ્તાર સૌથી જોખમી લેવલમાં મૂકાયો નથી પરંતુ, ડન્ડી સહિત સેન્ટ્રલ બેલ્ટ એરિયામાં નવી સિસ્ટમનું લેવલ-૩ લાગુ કરાશે. અબેરડીન, અબેરડીનશાયર, એન્ગસ, આર્જીલ એન્ડ બ્યૂટ, બોર્ડર્સ, ડમ્ફ્રીઝ એન્ડ ગેલોવે, ફાઈફ તેમજ પર્થ એન્ડ કિનરોસમાં લેવલ-૨ અને હાઈલેન્ડ, મોરાય, ઓર્કની, શેટલેન્ડ અને વેસ્ટર્ન આઈલ્સમાં લેવલ-૧ અમલી કરાશે.
સ્ટર્જને લોકોને નવા નિયંત્રણોના પાલનનો અનુરોધ કર્યો હતો. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે સંક્રમણના વધતા દરના કારણે સ્થાનિક અભિગમના બદલે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી શકે છે. ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જનની ટિયર સિસ્ટમમાં સામાન્ય જનજીવનના ઝીરો ટિયરથી લેવલ ફોર સુધીનો તબક્કો છે જેમાં સમગ્ર યુકેમાં માર્ચ મહિનાના અંતે જે પ્રકારનાં નિયંત્રણો લદાયા હતા તેનો સમાવેશ થાય થાય છે.
મોટા ભાગની લોકલ ઓથોરિટીઝના વિસ્તારોમાં લેવલ-૩થી શરુઆત કરાશે જેમાં, ત્યાં રહેનારા લોકોને ઘરમાં અથવા ઘરની બહાર, તેઓ જેમની સાથે રહેતા હોય તે સિવાયના લોકો સાથે સામાજિક મેળમિલાપ પર પ્રતિબંધ લગાવાશે. બે પરિવારના વધુમાં વધુ છ સભ્યો હોસ્પિટાલિટીના સ્થળોએ ઈનડોર કે આઉટડોરમાં મળી શકશે. કસ્ટમર્સે તેમના સંપર્કની વિગતો આપવાની રહેશે. સ્ટાફ મા૪ટે ફેર માસ્ક ફરજિયાત રહેશે અને માત્ર ટેબલ સર્વિસ રહેશે. લોકોએ ખાતા-પીતાં ન હોય અને હરફર કરતા હોય ત્યારે ચહેરા પર માસ્ક લગાવવાનો રહેશે.
લેવલ-૧માં વધારાનું નિયંત્રણ એ છે કે હોસ્પિટાલિટી પ્રીમાઈસીસને રાત્રે ૨૨.૩૦ કલાકે બંધ કરી દેવું પડશે.
લેવલ-૨માં પબ્સ અને રેસ્ટોરાં મુખ્ય ભોજન સાથે માત્ર આલ્કોહોલ પીરસી શકશે. તેમણે ઈનડોર સેવા ૨૦.૦૦ કલાકે અને આઉટડોર્સ ૨૨.૩૦ કલાકે બંધ કરી દેવું પડશે.
લેવલ-૪માં હોસ્પિટાલિટી પ્રીમાઈસીસ ખુલ્લાં રાખી શકાશે પરંતુ, આલ્કોહોલ વેચી શકાશે નહિ અને સાંજે ૧૮.૦૦ કલાકે પ્રીમાઈસીસ બંધ કરી દેવું પડશે.