લંડનઃ ઓફસ્ટેડના વડા સર માર્ટિન ઓલિવરે સલાહ આપી છે કે ઉનાળુ વેકેશનની લંબાઇ અને સમય પર પુનઃવિચારણા કરવી જોઇએ જેથી વર્ષના અત્યંત ગરમ સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પડે. તેમણે જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશનમાં બદલાવ કરવાથી વિદ્યાર્થીઓના શાળાના અનુભવમાં સુધારો કરી શકાશે.
તેમણે જણાવ્યું હતું કે, મે, જૂન અને જુલાઇમાં ઉગ્ર ગરમી પડે છે. તેવા સમયમાં આપણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મજબૂર કરીએ છે.
ઇંગ્લેન્ડની મોટાભાગની સ્ટેટ સ્કૂલમાં 6 સપ્તાહનું ઉનાળુ વેકેશન, બે સપ્તાહનું ક્રિસમસ અને ઇસ્ટરનું વેકેશન અને દરેક 3 ટર્મમાં એક સપ્તાહનું હાફ ટર્મ વેકેશન આપવામાં આવે છે. ઓલિવરે જણાવ્યું હતું કે, વર્ષના ગરમ સમયગાળામાં વિદ્યાર્થીઓની શાળામાં હાજરી ઘણી પાંખી રહે છે. 32.5 કલાકના સ્કૂલ વીકનો કિંમતી સમય અભ્યાસ અને સોશિયલાઇઝિંગ માટે થઇ શકે. વર્ષના 365 દિવસમાંથી ફક્ત 190 દિવસ જ અભ્યાસકાર્ય ચાલે છે.
ઓલિવરે જણાવ્યું હતું કે, 6 સપ્તાહના સમર વેકેશનમાં બાળકો અનિયંત્રિત બની જાય છે. ગરીબ અને નબળા વર્ગના બાળકો શિસ્ત અને તેમના રોજિંદા કામથી દૂર થાય છે.

