પ્રાયમરી અને સેકન્ડરી સ્કૂલોમાં બોલવાની કળા શીખવતો નવો વિષય
લંડનઃ સપ્ટેમ્બર 2028થી નેશનલ કરિક્યુલમમાં નવો વિષય સામેલ થઇ રહ્યો છે જે સંપુર્ણપણે બોલવા અને સાંભળવાના કૌશલ્ય પર આધારિત છે. ઓરેસી નામનો આ વિષય પ્રાયમરીથી શરૂ કરીને જીસીએસઇ સ્તરના તમામ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે જેથી બાળકો અસરકારક રીતે સંવાદ કરી શકે અને પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરી શકે.
સરકારની અંડર 25 ગેરેંટેડ જોબ યોજના
બેરોજગારીની કટોકટી નિવારવા વડાપ્રધાન બર્નહામના પ્રયાસો અંતર્ગત અભ્યાસ, નોકરી અથવા તાલીમમાં ન હોય તેવા 18થી 24 વર્ષના યુવાઓ માટે ગેરેંટેડ જોબ યોજના શરૂ કરાશે. તે અંતર્ગત તેમને 12 મહિના યુનિવર્સલ ક્રેડિટ પર રહ્યા પછી તેમની આવડતને આધારે 6 મહિના નોકરી અપાશે.
વેસ્ટ લંડનની સ્વીટ શોપને 10,000 પાઉન્ડનો દંડ
વેસ્ટ લંડન સ્થિત સ્વીટ શોપમાં ચોથીવાર ઉંદરોનો ઉપદ્રવ મળતા 10,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાઉથહોલ સ્થિત પૂનમ સ્વીટ સેન્ટરમાં ઉંદરોના ઉપદ્રવને પગલે ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એનએચએસ ઇંગ્લેન્ડ કેન્સર સારવારનો લક્ષ્યાંક ચૂકી જશે
એનએચએસ ઇંગ્લેન્ડ પૂરતા નેતૃત્વ, ધ્યાન અને સંસાધનોના અભાવે કેન્સર સારવારનો લક્ષ્યાંક ચૂકી જાય તેવી ચિંતા વ્યક્ત કરાઇ છે. જેના પરિણામે ઇંગ્લેન્ડમાં કેન્સરના 10 હજાર દર્દીને સમયસર સારવાર ઉપલબ્ધ નહીં થાય. એનએચએસ દ્વારા માર્ચ 2027 સુધીમાં 62 દિવસમાં 80 ટકા દર્દીઓને સારવાર આપવાનો લક્ષ્યાંક હતો.
હોમ ઓફિસે પ્રજ્ઞાચક્ષુ નાઇજીરિયન પેન્શનરને તબીબી સારવાર માટે ભારત જવા કહ્યું
છેલ્લા 26 વર્ષથી યુકેમાં રહેતા એક પ્રજ્ઞાચક્ષુ નાઇજીરિયન પેન્શનરને હોમ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ તબીબી સારવાર માટે ભારત જઈ શકે છે. ભારત એક એવો દેશ જ્યાં તેઓ ક્યારેય ગયા જ નથી. તેઓ વર્ષ 2000માં યુકે આવ્યા હતા અને તેના થોડા સમય બાદ જ ઝામરને કારણે અચાનક તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી. નવા નિયમોના કારણે તેમણે આગામી 20 વર્ષ સુધી તેમના વિઝા રિન્યૂ કરાવતા રહેવું પડશે, જેના કારણે તેઓ 80 વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે જ કાયમી વસવાટ માટે પાત્ર બનશે. તેમની ઉંમર અને દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને, 'રેફ્યુજી એન્ડ માઇગ્રન્ટ જસ્ટિસ'ના વકીલોએ હોમ ઓફિસમાં અરજી કરી હતી કે તેમને વધુ બે દાયકા રાહ જોવડાવવાને બદલે અત્યારે જ કાયમી વસવાટની મંજૂરી આપવામાં આવે.

