સમાનતા અને પરિવર્તના હિમાયતી નિષ્મા ગોસરાનીને OBE સન્માન

Wednesday 08th January 2020 01:17 EST
 
 

ડાઈવર્સિટીને પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ બ્રિટિશ જીવનશૈલીના તમામ પાસામાં સમાવેશ માટે નિષ્મા ગોસરાનીને OBEનું સન્માન અપાયું હતું. જેન્ડર પે ગેપનું રિપોર્ટિંગ સૌ પ્રથમ તેમણે કર્યું હતું. વધુમાં, ઈક્વલિટી એક્ટમાં તે પછી થયેલા સુધારા વિશે પણ રિપોર્ટિંગ કર્યું હતું. ૨૦૦૬માં મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે તેમણે ‘ઈક્વલિટી મેટર્સ’ શીર્ષક સાથે કરેલા સંબોધનને હાઉસ ઓફ કોમન્સમાં પબ્લિક ગેલેરી દ્વારા ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ અપાયું હતું.

ગોસરાનીએ જણાવ્યું હતું કે ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરના સન્માનથી તેઓ ખૂબ માનની લાગણી અનુભવે છે.

ગોસરાની શિક્ષણ, ફાઈનાન્સિયલ/પ્રોફેશનલ સર્વિસીસ, સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રે સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. તેઓ ડેલોઈટ કન્સલ્ટિંગના ડિરેક્ટર છે અને ‘ફ્યુચર ઓફ વર્ક’ એજન્ડા પર વિશેષ ધ્યાન આપીને બેંકિંગ, કેપીટલ માર્કેટ તથા એસેટ મેનેજમેન્ટમાં ‘પીપલ ટ્રાન્સફોર્મેશન’નું નેતૃત્વ સંભાળે છે. તેઓ ડેલોઈટ મલ્ટિકલ્ચરલ નેટવર્કને સ્પોન્સર કરે છે. આ નેટવર્કને ૨૦૧૫માં BiTC એવોર્ડ્ઝમાં ‘એમ્પ્લોઈ નેટવર્ક ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો હતો. ગોસરાનીએ ૨૦૦૭માં એશિયન એચિવર્સ એવોર્ડઝમાં ‘એશિયન પ્રોફેશનલ ઓફ ધ યર’નો એવોર્ડ જીત્યો હતો.

કેન્યામાં જન્મેલા ગોસરાની ૨૦૦૮માં રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના ફેલો તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૬માં તેઓ મેટરનિટી લીવ પર હતા ત્યારે ફાઈનાન્સિયલ ટાઈમ્સ Empower Top 35 Future Leaderમાં તેમનો સમાવેશ કરાયો હતો. ૨૦૧૧થી ગોસરાની તમાશા થિયેટર કંપનીના બોર્ડ મેમ્બર અને ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. આ સંસ્થા સાંસ્કૃતિક રીતે વિવિધ પશ્ચાદભૂમિકાના BAME કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેઓ સિટી હિંદુઝ નેટવર્કના એડવાઈઝરી બોર્ડ મેમ્બર પણ છે. તાજેતરમાં જ તેમની નિમણુંક સેન્ટ આલ્બન્સ હાઈ સ્કૂલ ફોર ગર્લ્સના ગવર્નર અને ટ્રસ્ટી તરીકે થઈ હતી. ત્યાં તેમની જવાબદારી STEMને પ્રોત્સાહન પૂરું પાડવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter