લંડનઃ બીબીસીના નવા ચેરમેન તરીકે પસંદગી પામેલા સમીર શાહની નિયુક્તિ સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યાં છે. સાંસદોનું કહેવું છે કે બીબીસીના નવા ચેરમેન કોર્પોરેશનના અધિકારીઓમાં જરૂરી બદલાવ લાવવાનું સામર્થ્ય અને ચારિત્ર્ય ધરાવતા નથી. સમીર શાહની ભુમિકાની આકરી સમીક્ષામાં કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ સિલેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે, સમીર શાહ બીબીસીમાં બોર્ડના હસ્તક્ષેપ જેવા મૂળભૂત સિદ્ધાંતો પર પોતાના મંતવ્યો જાહેર કરવા માગતા નથી.બીબીસી સામે રહેલા મૂળભૂત પડકારો પર પોતાના મંતવ્યો જાહેર કરવા મુદ્દે સમીર શાહની ઇચ્છા સામે કમિટીને ગંભીર વાંધા છે.
કમિટીએ જણાવ્યું હતું કે, સમીર શાહ નિયુક્તિને પાત્ર છે પરંતુ શું તેમનામાં બીબીસી બોર્ડના નેતૃત્વને પડકાર આપવાની ક્ષમતા છે. જોકે કમિટીએ સમીર શાહની નિયુક્તિને અટકાવી નથી પરંતુ માગ કરી છે કે 3 મહિના પછી તેમની ફરી એકવાર પૂછપરછ કરાશે જેથી તેઓ કમિટીની ચિંતાઓના જવાબ આપી શકે.
કમિટીના ચેરમેન ડેમ કેરોલિન ડિનેનએજે જણાવ્યું હતું કે, સમીર શાહ રાજકીય બિનપક્ષપાત અને બીબીસીમાં બોર્ડ લેવલના હસ્તક્ષેપ જેવા મૂળભૂત સિદ્ધાંતો પર પોતાના મંતવ્યો રજૂ કરવા ઇચ્છતા નથી તેથી અમે નિરાશ થયા છીએ. તેથી હવે સમીર શાહની નિયુક્તિનો નિર્ણય સરકારે કરવાનો છે. જો સરકાર આગળ વધવા માગતી હોય તો સમીર શાહે નવા વર્ષમાં કમિટી સમક્ષ ઉપસ્થિત થવું પડશે અને અમારી ચિંતાઓ પર ધ્યાન આપવું પડશે.


