લંડનઃ ભારતના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન એમ.જે. અકબર શુક્રવાર ૧૭ માર્ચે લંડનમાં આયોજિત કોમનવેલ્થ મિનિસ્ટરીઅલ એક્શન ગ્રૂપ (CMAG)ની બેઠકમાં હાજરી આપવા યુકેની ચાર દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુરુવાર ૧૬ માર્ચે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ અને ફોરેન ઓફિસ મિનિસ્ટર આલોક શર્મા સહિત યુકેના મિનિસ્ટર્સ સાથે યુકે-ભારત દ્વિપક્ષી સંબંધો વિશે મંત્રણા હાથ ધરી હતી.
બ્રેક્ઝિટ પછી ભારત-યુકે સંબંધો વિશે તેમણે કહ્યું હતું કે,‘યુકે સાથે અમારા સંબંધોનો ઈતિહાસ વિશાળ પરિમાણ ધરાવે છે. બ્રિટન યુરોપ સાથેના સંબંધોનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યું છે ત્યારે એક મિત્ર તરીકે ભારત મદદરુપ બનવા શક્ય બધુ કરશે.’ આ જ દિવસે તેમણે ભારતીય હાઈ કમિશનમાં પસંદગીના જૂથને સંબોધન કર્યું હતું.
તેમણે ભારતીય હાઈ કમિશન, ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના સંયુક્ત નેજા હેઠળ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદ વિરેન્દ્ર શર્માના અધ્યક્ષપદે આયોજિત કાર્યક્રમમાં ‘ઈન્ડિયા ઈન ચેન્જિંગ વર્લ્ડ’ વિષય પર પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં લોર્ડ નવનીત ધોળકિયા, લોર્ડ ખાલીદ હમીદ, બેરોનેસ ઉષા પ્રશાર અને યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય. કે. સિંહા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યવિદેશ પ્રધાન અકબરે ભારતના વર્તમાન મિજાજ વિશે કહ્યું હતું કે,‘ભારત સમૃદ્ધિની શોધમાં છે. આર્થિક સમૃદ્ધિ અને વિકાસ એક સિક્કાની બે બાજુ છે. સમૃદ્ધિના માર્ગમાં સૌથી મોટો અવરોધ ત્રાસવાદનો રહેલો છે. ત્રાસવાદને ઉત્તેજન આપનારા રાજકીય એજન્ડા ધરાવતા ન હોવાનું માનવું મૂર્ખામી જ છે. તેમનો મુખ્ય હેતુ અસ્થિરતા સર્જવાનો જ છે.’