સર કેર સ્ટાર્મર લેબર પાર્ટીના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા

એન્જેલા રેનર ડેપ્યુટી લીડરઃ જેરેમીતરફી રેબેકા લોંગ બેઈલી બીજા અને લિસા નાન્દી ત્રીજા સ્થાને

Thursday 09th April 2020 04:14 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના સેન્ટ પાનક્રાસ એન્ડ હોલબોર્નના ૫૭ વર્ષીય સાંસદ સર કેર સ્ટાર્મર લેબર પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સર સ્ટાર્મરે રેબેકા લોંગ- બેઈલી અને ભારતીય મૂળના સાંસદ લિસા નાન્દીને હરાવ્યા હતાં. સર સ્ટાર્મર પાંચ વર્ષ સુધી પાર્ટીનું વડપણ સંભાળનારા જેરેમી કોર્બીનનું સ્થાન સંભાળશે. કોર્બીનના વડપણમાં પાર્ટીએ બે ચૂંટણીમાં પરાજય વેઠ્યો હતો. એન્જેલા રેનેરને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં.

પૂર્વ ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સ સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘લેબર પાર્ટીના નેતાપદે ચૂંટાઈ આવવું તે મારા જીવનની ગૌરવ અને સન્માનની પળ છે. હું આ મહાન પાર્ટીને વિશ્વાસ અને આશા સાથે નવા યુગમાં દોરી જઈશ અને જ્યારે સમય આવશે ત્યારે આપણે ફરી સરકાર બનાવી દેશની સેવા કરી શકીશું.’ સર કેર સ્ટાર્મરે તત્કાળ પોતાનું ધ્યાન કોરોના વાઈરસ તરફ રાખતા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જવાબદાર વિપક્ષી નેતા તરીકે કામ કરશે. કાયદા નિષ્ણાત સ્ટાર્મર ૨૦૧૫થી સેન્ટ પાનક્રાસ એન્ડ હોલબોર્નના સાંસદ છે

સામાન્ય ચૂંટણીમાં રકાસ પછી જેરેમી કોર્બીનની કટ્ટર ડાબેરી વિચારધારાને ફગાવી પાર્ટીના સભ્યોએ સ્ટાર્મરને વિજેતા બનાવ્યા હતા. લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ૧૯૩૫ પછી સૌથી ખરાબ પરાજય મેળવ્યા પછી ૭૦ વર્ષીય જેરેમી કોર્બીને ડિસેમ્બરમાં પ્રમુખપદ છોડવાની જાહેરાત કરી હતી. સ્ટાર્મર સામે પક્ષમાં એન્ટિ-સેમેટિઝટમ અને બ્રેક્ઝિટ મુદ્દે આંતરિક વિખવાદની મુખ્ય સમસ્યા રહેલી છે.

જોકે, આ ચૂંટણીમાં મધ્યમમાર્ગી શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી સર કેર સ્ટાર્મરનો વિજય થશે તેમ રાજકીય નિષ્ણાતો શરુઆતથી જ માનતા હતા. આ ચૂંટણીમાં સ્ટાર્મર પછી જેરેમીતરફી રેબેકા લોંગ બેઈલી બીજા અને લિસા નાન્દી ત્રીજા સ્થાને રહ્યાં છે. સ્ટાર્મરને ૨,૭૫,૭૮૦ મત, જ્યારે રેબેકા લોંગ-બેઈલીને ૧,૩૫,૨૧૮ મત અને નાન્દીને ૭૯,૫૯૭ મત મળ્યાં હતાં. આમ, સ્ટાર્મરને ૫૬.૨ ટકા, રેબેકાને ૨૭.૬ ટકા અને નાન્દીને ૧૬.૨ ટકા મત મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter