લંડનઃ યુએનના પર્યાવરણીય કાર્યક્રમ દ્વારા ૯૫ વર્ષના સર ડેવિડ એટનબરોની ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ના ખિતાબ માટે પસંદગી કરવામાં આવી છે. સર ડેવિડ વર્ષોથી ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ તથા પ્રકૃતિના સંરક્ષણ માટે સક્રિય છે. સર ડેવિડની કેટલીક ડોક્યુમેન્ટરીઓમાં ‘ધ ગ્રીન પ્લેનેટ’ તથા ‘ધ પ્લાસ્ટિક ઓશન’નો સમાવેશ થાય છે.
આ અવોર્ડ સ્વીકારતાં સર ડેવિડે જણાવ્યું કે, વર્તમાન દુનિયાએ કુદરત, પ્રકૃતિ અને પૃથ્વીને બચાવવા માટે પગલાં લેવાની જરૂર છે. પર્યાવરણને સુધારવાની સફળ બાબતો આપણામાં આશા જગાવે છે કે, હજી મોડું થયું નથી અને હજી પરિસ્થિતિને બદલી શકાય છે.
યુએન એન્વાયર્ન્મેન્ટ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇંગર એન્ડરસને જણાવ્યું કે, ‘આ સન્માન માટે યુએન દ્વારા સર ડેવિડને પસંદ કરવામાં આવ્યા તેનું કારણ પ્રાકૃતિક વિશ્વ અને કુદરતી જગતની વાત સમાજની સમક્ષ રજૂ કરવાની બાબતમાં સર ડેવિડની જહેમત અને પ્રતિબદ્ધતા છે. પર્યાવરણની બાબતમાં કેળવાયેલી જાગૃતિ અને પ્રદૂષિત ઈકો-સિસ્ટમને સ્વચ્છ કરવાના પ્રયાસ પાછળ સર ડેવિડના પૃથ્વી પર પર્યાવરણને લગતી ફિલ્મો અને લખાણોનું મહત્ત્વ છે..’
સર ડેવિડની સુદીર્ઘ પર્યાવરણીય સેવાઓનું વિહંગાવલોકન કરીએ તો તેમણે ૧૯૫૦માં પ્રાકૃતિક ઇતિહાસ કાર્યક્રમો ઉપર કામકાજ શરૂ કર્યું હતું.. તેમણે પૃથ્વી ઉપર દૂર-સુદૂરના પ્રદેશોમાં જઈને કુદરતી પરિસ્થિતિઓના બનાવેલી ડોક્યુમેન્ટરીઝ ખૂબ જ જાણીતી છે. છેલ્લાં ચાર વર્ષમાં ક્લાઇમેટ ચેન્જથી પૃથ્વીને તથા માનવજાતને ભારે નુકસાન થતું હોવાની ચેતવણીની ભારે અસરો ઊપજતાં લોકોમાં જાગૃતિ આવી છે. બાળકો તથા કિશોરવયના લોકોમાં સર ડેવિડ વિશેષપણે જાણીતા છે.


