લંડનઃ લગભગ ૩૦ વર્ષ સુધી ટેટ ગેલેરિઝના ડિરેક્ટર રહેલા ૭૦ વર્ષીય સર નિકોલસ સેરોટાને આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડના ચેરમેનપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી વર્ષની ૩૧ જાન્યુઆરીએ ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરનારા સર પીટર બાઝાલગેટનું સ્થાન લેશે.
વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રમાં સૌથી નામાંકિત મહાનુભાવોમાં સ્થાન ધરાવતા સેરોટાએ ૧૯૭૬માં વ્હાઈટચેપલ ગેલેરી અને ૧૯૮૮માં ટેટ ગેલેરીનું ડિરેક્ટરપદ સંભાળ્યું હતું તેમણે ટેટ ગેલરિઝને શક્તિશાળી આર્ટ્સ સંસ્થામાં રુપાંતરિત કરી હતી. વર્ષ ૨૦૦૦માં ટેટ મોર્ડર્નને ખુલ્લી મૂકી હતી અને નાણાકીય કટોકટીના વર્ષોમાં પણ તેમણે ૨૬૦ મિલિયન પાઉન્ડના ખર્ચે જૂનમાં વિસ્તરણ પૂર્ણ કર્યું હતું.
દિવંગત લેબર ઉમરાવ અને લોર્ડ્સના પૂર્વ ડેપ્યુટી સ્પીકર લેડી બીટ્રીસ સેરોટાના પુત્ર સર નિકોલસે કહ્યું હતું કે બ્રિટિશ, આધુનિક અને ઈન્ટરનેશનલ આર્ટના અભ્યાસ, પ્રોત્સાહન અને રજૂઆતમાં ટેટની ભૂમિકા સ્થાપિત કરવાનું કાર્ય પડકારનજક રહ્યું હતું.


