સર લિન્ડસે હોયલ કોમન્સના સ્પીકરપદે ચૂંટાયા

Wednesday 06th November 2019 01:42 EST
 
નિવૃત્ત થયેલા સ્પીકર જ્હોન બેર્કો અને નવનિયુક્ત સ્પીકર સર લિન્ડસે હોયલ (જમણે)
 

લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં જ્હોન બેર્કોના ૧૦ વર્ષના વિવાદાસ્પદ આધિપત્ય પછી તેમના ડેપ્યુટી સ્પીકર સર લિન્ડસે હોયલ ગૃહના ૧૫૮મા સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. બેર્કો ૩૧ ઓક્ટોબરે નિવૃત્ત થયા પછી ચોથી નવેમ્બરે યોજાએલી ચૂંટણીમાં લેબર પાર્ટીના ૬૨ વર્ષના સાંસદ સર હોયલે ચોથા રાઉન્ડમાં પૂર્વ મિનિસ્ટર અને લેબર સાંસદ ક્રિસ બ્રાયન્ટને ભારે રસાકસી પછી ૩૨૫ વિરુદ્ધ ૨૧૩ મતથી પરાજિત કર્યા હતા. સર હોયલે નિષ્પક્ષ રહી પાર્લામેન્ટની ખરડાયેલી છબીને પુનઃ પ્રતિષ્ઠા અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી. સર લિન્ડસે ગત નવ વર્ષથી ડેપ્યુટી સ્પીકરપદે હતા.

સ્પીકરપદની ચૂંટણીમાં સર લિન્ડસે હોયલ અને ક્રિસ બ્રાયન્ટ ઉપરાંત, ડેપ્યુટી સ્પીકર્સ ટોરી પાર્ટીના ડેમ એલીનોર લેઈંગ અને લેબર પાર્ટીના ડેમ રોઝી વિન્ટરટન તેમજ હેરિયટ હર્માન, ટોરી સાંસદ સર એડવર્ડ લેહ, અને લેબર સાંસદ મેગ હિલર સહિત સાત ઉમેદવારો મેદાનમાં હતા. મૂળ ગુજરાતી ટોરી સાંસદ શૈલેષ વારા મતદાન અગાઉ સ્પર્ધામાંથી ખસી ગયા હતા. મતદાન અગાઉ, તમામ ઉમેદવારે સંબોધન કર્યું હતું. સર લિન્ડસેએ જણાવ્યું હતું કે સ્પીકરનો હોદ્દો ધરાવનારે ‘જવાબદાર’ રહેવું જોઈશે. મોટા ભાગના ઉમેદવારોએ જ્હોન બેર્કોની કાર્યશૈલીની ટીકા કરી હતી.

લેન્કેશાયરમાં જન્મેલા નવનિયુક્ત સ્પીકરે જણાવ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે આ ગૃહ માત્ર અહીં જ નહિ, સમગ્ર વિશ્વમાં મહાનતાની પુનઃ પ્રતિષ્ઠા હાંસલ કરશે. આપણે તેની ખરડાયેલી છબીને સુધારવાની રહેશે અને અહીં કાર્યરત તમામ સભ્યો આદર અને સહિષ્ણુતાનું પ્રદર્શન કરશે. હું નિષ્પક્ષ રહીશ, પારદર્શક રહીશ.’ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સર લિન્ડસેની નિયુક્તિને આવકારતા જણાવ્યું હતું કે તેઓ નિષ્પક્ષ સ્પીકરની નજર હેઠળ કોમન્સની કામગીરી ચાલે તે માટે ઉત્સુક છે.

સર લિન્ડસે હવે લેબર પાર્ટીમાંથી રાજીનામું આપશે અને તેમની શોર્લીની બેઠકનું અપક્ષ તરીકે પ્રતિનિધિત્વ કરશે. સર લિન્ડસેએ રેફરન્ડમમાં ઈયુ છોડવા કે ઈયુમાં રહેવાને સમર્થન આપે છે તેની કદી જાહેરાત કરી નથી પરંતુ, તેમની તેમના મતક્ષેત્રે બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કર્યું હતું. બ્રિટિશ રાજકારણમાં સ્પીકરનું પદ સૌથી શક્તિશાળી ગણાય છે. તેઓ વાર્ષિક ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન તેમજભવ્ય સ્પીકર્સ હાઉસમાં રહેવાનો અધિકાર મેળવે છે. કોમન્સની પરંપરા અનુસાર ટોરી સાંસદ નાઈજેલ ઈવાન્સ અને લેબર સાંસદ કેરોલિન ફ્લીન્ટ નવા સ્પીકરને તેમની ખુરશી તરફ ખેંચીને લઈ ગયા હતા. સર લિન્ડસે સામાન્ય ચૂંટણી માટે સંસદનું વિસર્જન થાય તે અગાઉ એક દિવસ મંગળવારે કામગીરી સંભાળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter