લંડનઃ ૫૭ વર્ષીય સર સુમા ચક્રબર્તીને યુરોપિયન બેન્ક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (EBRD)ના પ્રમુખપદે ચાર વર્ષની બીજી ટર્મ માટે ચૂંટવામાં આવ્યા છે. યુકેના ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ચૂંટણીને આવકારી સર ચક્રબર્તીની બીજી ટર્મ માટે ખુશી વ્યક્ત કરી હતી. સર સુમા ચક્રબર્તી સૌપ્રથમ ૨૦૧૨માં EBRDના પ્રમુખપદે ચૂંટાઈ સંસ્થાના ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ બ્રિટિશ પ્રેસિડેન્ટ બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ EBRDએ પડકારરુપ આર્થિક અને ભૂ-રાજકીય વાતાવરણમાં સમગ્ર યુરોપમાં લક્ષ્યાંકિત રોકાણો પૂરાં પાડવામાં લચકદાર કામગીરી બજાવી હતી.
EBRDની સ્થાપના ૧૯૯૧માં લંડનમાં વડા મથક સાથે થઈ હતી. તેના ૬૭ શેરહોલ્ડર છે અને યુરોપ, સેન્ટ્રલ એશિયા તથા દક્ષિણ અને પૂર્વ મેડિટેરિઅન સહિત ૩૦ દેશોમાં કાર્યરત છે. આ નિયુક્તિ અગાઉ સર સુમા બ્રિટિશ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં પરમેનન્ટ સેક્રેટરી હતા અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટનું વડપણ તેમણે કર્યું છે. તેમનો જન્મ ભારતના પશ્ચિમ બંગાળના જલપાઈગુરીમાં ૧૯૫૯માં થયો હતો. તેઓ નાના હતા ત્યારથી જ યુકે આવ્યા હતા. તેમણે સિટી ઓફ લંડન સ્કૂલ; ન્યુ કોલેજ, ઓક્સફર્ડ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બી.એ.); અને યુનિવર્સિટી ઓફ સસેક્સ (ઈકોનોમિક્સમાં એમ.એ.)નું શિક્ષણ મેળવ્યું છે.


