લંડન
બ્રિટનની જનતાને વીજળીના બિલમાં રાહત આપવા માટે ચાન્સેલર જેરેમી હન્ટ સરકાર દ્વારા નક્કી કરાયેલી 2500 પાઉન્ડની એનર્જી પ્રાઇઝ ગેરેંટીને વધુ 3 મહિના લંબાવે તેવી સંભાવના છે. એનર્જી પ્રાઇઝ ગેરેંટી વીજળી અને ગેસના બિલને નિયંત્રિત રાખે છે અને પરિવારને પ્રતિ વર્ષ 2500 પાઉન્ડથી વધુ બિલની ચૂકવણી કરવી પડતી નથી. હાલ આ ગેરેંટી એપ્રિલ મહિનાથી વધીને 3000 પાઉન્ડ થવાની છે.
એક અખબારી અહેવાલ પ્રમાણે જેરેમી હન્ટ 2500 પાઉન્ડની એનર્જી પ્રાઇઝ ગેરેંટી વધુ 3 મહિના લંબાવી શકે છે. સરકારે એનર્જી કંપનીઓને 2500 પાઉન્ડની એનર્જી પ્રાઇઝ ગેરેંટી યથાવત રહે તે માટે તૈયારી કરવાની સૂચના આપી છે. આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર 3 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હજુ આ પ્રકારનો કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ વ્હાઇટહોલના સૂત્રના જણાવ્યા અનુસાર એનર્જી પ્રાઇઝ ગેરેંટી 2500 પાઉન્ડ પર યથાવત રહે તેવી સંભાવના છે. જો એનર્જી પ્રાઇઝ ગેરેંટી વધારવામાં આવે તો વીજળીના બિલ ચૂકવી ન શકે તેવા લોકોની સંખ્યા બમણી થઇ શકે છે.
એનર્જી પ્રાઇઝ ગેરેંટી અંતર્ગત પરિવારોને વીજળીના બિલ પર સરકાર દ્વારા રાહત આપવામાં આવે છે.
હાલની પ્રાઇઝ કેપ પ્રમાણે ગેરેંટી વિના પરિવારનું વાર્ષિક વીજળીનું બિલ 4279 પાઉન્ડ પર પહોચી શકે છે. તાજેતરમાં જ હોલસેલ એનર્જી પ્રાઇઝમાં મોટો ઘટાડો થતાં એનર્જી પ્રાઇઝ કેપ એપ્રિલથી 3280 પાઉન્ડ થવાની છે. સરકારને આશા છે કે જુલાઇથી પ્રાઇઝ કેપ 2500 પાઉન્ડથી નીચે આવી જશે.


