લંડનઃ સાયબર એટેકના કારણે કાર ઉત્પાદક જેગુઆર લેન્ડ રોવર (JLR)ને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હોવાથી JLRના સપ્લાયર્સને બચાવવા સરકાર કાર પાર્ટ્સ ખરીદી શકે છે. ઓગસ્ટ મહિનાના અંતમાં સાયબર એટેક થવાથી JLRને તેના IT નેટવર્ક્સ બંધ કરવા પડ્યા હતા. તેની ફેક્ટરીઓ ઓછામાં ઓછું એક મહિના સુધી બંધ રાખવી પડશે.જો સરકાર સપ્લાયર્સને બચાવવા પગલું ભરશે તો JLR સાયબર એટેકના પરિણામે મદદ મેળવનારી પહેલી કંપની બનશે.
JLRની પ્રોડક્શન લાઈન્સ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી સપ્લાયર્સને બિઝનેસમાં ચાલુ રાખવા સરકાર તેમના પાર્ટ્સ ખરીદી લે તેવી વિચારણા થઈ રહી છે. એવો ભય સેવાય છે કે કાર પાર્ટ્સ તૈયાર કરતા કેટલાંક સપ્લાયર્સ માત્ર JLRના બિઝનેસ પર જ આધાર રાખે છે અને સપોર્ટ વિના તેઓ ભાંગી પડશે. ભારતની તાતા મોટર્સની માલિકીની કંપની JLR સામાન્ય રીતે સોલિહોલ, વેસ્ટ મિડલેન્ડ્સનાં વોલ્વરહેમ્પ્ટન અને મર્સીસાઈડના હેલવૂડની ત્રણ ફેક્ટરીઓમાં દૈનિક 1000 કારનું ઉત્પાદન કરી શકે છે. કંપનીના પ્લાન્ટ્સમાં આશરે 30,000 લોકો સીધી રીતે નોકરીમાં છે જ્યારે સપ્લાય ચેઈનની ફર્મ્સમાં આશરે 110,000 લોકો કામ કરે છે. કેટલીક ફર્મ્સ માત્ર JLR માટે જ કામ કરે છે. સાયબર એટેકથી કામકાજ બંધ કરાવાથી કંપનીને ગુમાવેલા ઉત્પાદનમાં પ્રતિ સપ્તાહ ઓછામાં ઓછાં 50 મિલિયન પાઉન્ડનું નુકસાન થઈ રહ્યું છે.